Gandhinagar News: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘નમો સેવા ગાથા- અનકહી કહાનીઓ’ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં વિવિધ નાટ્યપ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની 25 વર્ષની સેવા-યાત્રા, જનકલ્યાણ માટેના પ્રયાસો અને સુશાસનના વિવિધ આયામોને લોકો સમક્ષ જીવંત રીતે રજૂ કરવામાં આવશે.
ગુજરાતમાં 1700 શેરી નાટકો યોજાશે
ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં 1,700 જેટલા શેરી નાટકો યોજવામાં આવશે. આ માટે કલાકારોની 103 ટીમો અને 1,000થી વધુ કલાકારો જોડાશે. વિવિધ સ્થળોએ યોજાનારી આ નાટ્યપ્રસ્તુતિઓના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકેની રાષ્ટ્રસેવા સુધીની યાત્રાના વિવિધ પ્રસંગો અને જનકલ્યાણલક્ષી કાર્યોને સંવાદ, અભિનય, સંગીત અને રંગમંચન દ્વારા રજૂ કરવામાં આવશે.
કુશળ કલાકારો દ્વારા રંગમંચ પર અભિનય
‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ અંતર્ગત નાટ્યપ્રસ્તુતિઓને સરળ, સંવેદનશીલ અને સંગીતમય સ્વરૂપ આપવામાં આવ્યું છે. કુશળ કલાકારોના જીવંત અભિનય અને પ્રભાવશાળી સંવાદો દ્વારા સેવા, સમર્પણ, અંત્યોદય, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને ઉજાગર કરતા પ્રસંગોને રંગમંચ પર સાકાર કરવામાં આવશે. શેરી નાટકોના માધ્યમથી વિવિધ વિસ્તારોમાં સીધો જનસંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાનારી આ સમગ્ર નાટ્યપ્રવૃત્તિ દ્વારા સેવા અને સુશાસનના વિવિધ પાસાઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
વિદ્યાર્થીઓ દ્વારા 4500 નાટ્યમંચન યોજાશે
આ ઉપરાંત રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 4,500 જેટલા નાટ્યમંચન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ કલા, અભિનય અને સર્જનાત્મક અભિવ્યક્તિ સાથે પ્રસ્તુતિ કરશે. આ પ્રવૃત્તિઓ દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જાગૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
