વર્ષ 2022થી 25 દરમિયાન રાજ્યમાં કુલ 23 હજાર કરતાં વધુ બોઈલર અને 675 ઇકોનોમાઇઝરને પ્રમાણિત કરાયા, ત્રણ વર્ષમાં એક પણ અકસ્માત નહીં

શ્રમ આયુક્તની સીધી દેખરેખ હેઠળ ચાલતા આ બોઇલર તંત્ર દ્વારા અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા તમામ કાર્યરત બોઈલરોનું 100 ટકા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 04 Sep 2025 01:11 PM (IST)Updated: Thu 04 Sep 2025 01:11 PM (IST)
over-23000-boilers-and-675-economizers-certified-in-gujarat-2022-25-with-zero-accidents-in-three-years-597179
HIGHLIGHTS
  • અસરકારક કામગીરીના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નોંધાયા નથી.
  • રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 22 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે.

ગુજરાત આજે અનેક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનું હબ છે. આ ઉદ્યોગોમાં વપરાતા બોઇલરોના ઉપયોગ દરમિયાન એક્સપ્લોઝન-વિસ્ફોટની ઘટના અટકાવીને જાનમાલ-મિલકતનું રક્ષણ કરવા રાજ્ય સરકારનો ટેકનોક્રેટ વિભાગ એટલે ‘બોઇલર તંત્ર’. શ્રમ આયુક્તની સીધી દેખરેખ હેઠળ ચાલતા આ બોઇલર તંત્ર દ્વારા અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા તમામ કાર્યરત બોઈલરોનું 100 ટકા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ, આ કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નોંધાયા નથી.

ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા શ્રમ-રોજગાર રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના નેતૃત્વમાં ‘બોઈલર તંત્ર’ દ્વારા વર્ષ 2022-23થી 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ 23,719 બોઈલર અને 675 ઇકોનોમાઇઝરને પ્રમાણિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 22 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અન્વયે નિરીક્ષણ ફી થકી રૂપિયા 36 કરોડથી વધુની માતબર આવક પણ થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘બોઇલર તંત્ર’ રાજ્યના વિકાસ સાથે જાહેર સલામતીના લક્ષ્યાંકનો હેતુ પાર પાડવા તેમજ આજના સમયની માંગને પહોંચી વળવા હંમેશા અસરકારક અને ગુણાત્મક સેવાઓ પૂરી પાડે છે. ‘બોઇલર તંત્ર’ દ્વારા ઉદ્યોગોમાં ઉત્‍પાદનને અસર ન થાય તે રીતે શ્રમિક અને સંપત્તિને અકસ્‍માતોથી બચાવવા, બોઇલર કાયદાઓનું અસરકારક અમલીકરણ કરી કાયદાકીય રક્ષણ-સલામતી પૂરી પાડવામાં આવે છે.

આ ઉપરાંત ‘બોઈલર તંત્ર’ દ્વારા ઊર્જા શક્તિનો બચાવ કરી પર્યાવરણની જાળવણી કરવી, ઔદ્યોગિક સલામતી અને શાંતિનું વાતાવરણ સ્‍થપાય, ઉદ્યોગોમાં પ્રમાણિત સક્ષમ અને કુશળ માનવબળ પૂરું પાડી કામદારોનો ઉત્કર્ષ-વિકાસ કરવો, રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન અટકાવવું તેમજ બોઇલરોની સલામતી અને કાર્યક્ષમતામાં સતત સુધારણા કરવા જેવી વિવિધ કામગીરી પણ કરવામાં આવે છે.

બોઇલર અધિનિયમ-2025 મુજબ જેની વોલ્યુમેટ્રીક કેપેસીટી 25 લિટરથી વધુ તથા વર્કિંગ ગેજ પ્રેશર 1 Kg/cm2 કરતાં વધુ હોય તેમજ પાણી 100 અંશ સેલ્સીયસ કરતાં વધુ તાપમાને ગરમ થતું હોય તેવા તમામ બોઇલરો કે સ્ટીમ જનરેટરોનો ઉપયોગ નિયમોનુસાર નોંધણી કર્યા વિના કરી શકાશે નહીં.