Gujarat Pradesh Congress President: આગામી દસેક દિવસમાં જ કોંગ્રેસ નવા પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધી વિદેશ પ્રવાસેથી પરત આવી ગયા હોવાથી થોડાં દિવસમાં જ ગુજરાતના કેટલાંક નેતાઓને મળવા માટે સમય આપી શકે છે. આ પછી નિર્ણય લઇને નામ જાહેર કરવામાં આવશે. અલબત્ત આ પદ માટે અલગ-અલગ જ્ઞાતિઓના સમીકરણો મૂકાઇ રહ્યા છે, પરંતુ કોંગ્રેસ આ કિસ્સામાં જ્ઞાતિ જોવાને બદલે જે-તે નેતાની પરિપક્વતા અને પક્ષ સાથેની વફાદારીના પરિમાણો ચકાસીને નિર્ણય કરશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે નવું નામ જલદી આવશે
રાહુલ ગાંધીની કોર ટીમના સદસ્યો ગુજરાત કોંગ્રેસના ઘણાં નેતાઓ અને કાર્યકરોને ફોન કરીને નવા પ્રમુખ માટેના અભિપ્રાય જાણી રહ્યા છે. આ દરમિયાન અમિત ચાવડા, પરેશ ધાનાણી, વીરજી ઠુંમર, ગેનીબેન ઠાકોર, જિજ્ઞેસ મેવાણી અને લાલજી દેસાઇના નામો પર લોકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. રાહુલ ગાંધીની ટીમ પણ આ નામોને લઇને જ મંતવ્યો માગી રહી હોવાથી આ પૈકી કોઇ એક નામ પ્રદેશ પ્રમુખ પદ માટે આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
જો અમિત ચાવડાને કોંગ્રેસ પ્રમુખ બનાવામાં આવે તો વિધાનસભામાં પક્ષના નેતા અને ઉપનેતા પદે નવાં ચહેરાંઓને તક મળવાની શક્યતા રહે. આ સ્થિતિમાં પક્ષના નેતા તરીકે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને પસંદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત અગાઉ કોંગ્રેસે ગુજરાતમાં સાત વર્કિંગ પ્રેસિડેન્ટની નિમણૂક કરી હતી તેવી જ નિયુક્તિ પણ થઇ શકે છે.
શક્તિસિંહ ગોહીલને રાજીનામું પાછું ખેંચવા કહેવાયું
ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલની હાજરીમાં એક સભા યોજાઇ હતી. આ સભામાં તેમનું રાજીનામું પાછું ખેંચવા તેમને કહેવાયું હતું. નેતાએ કહ્યું કે, અગાઉના પ્રમુખો કોંગ્રેસની સામાન્ય ચૂંટણીમાં પણ ભૂંડી હાર થાય તો ય રાજીનામા આપતા ન હતા, પણ શકિતસિંહે બે બેઠકની હારમાં જ રાજીનામું આપી દીધું.
