IIT ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટીનો નવો આવિષ્કાર, ઊંડા ઘા ઝડપથી રૂઝવવા માટે તૈયાર કરાઈ ખાસ હાઈડ્રોજેલ

આ બંને સંસ્થાઓના નિષ્ણાતોએ સાથે મળીને એક નવીન 'ઇન્જેક્ટેબલ હાઈડ્રોજેલ' વિકસાવી છે, જે ગંભીર અને ઊંડા ઘાને સામાન્ય કરતા વધુ ઝડપથી રૂઝવવામાં મદદ કરશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 15 Jul 2026 06:00 AM (IST)Updated: Wed, 15 Jul 2026 06:00 AM (IST)
new-innovation-by-iit-gandhinagar-and-nirma-university-special-hydrogel-developed-to-rapidly-heal-deep-wounds

IIT Gandhinagar: ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IITGN) અને નિરમા યુનિવર્સિટીના સંશોધકોએ તબીબી ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. આ બંને સંસ્થાઓના નિષ્ણાતોએ સાથે મળીને એક નવીન 'ઇન્જેક્ટેબલ હાઈડ્રોજેલ' વિકસાવી છે, જે ગંભીર અને ઊંડા ઘાને સામાન્ય કરતા વધુ ઝડપથી રૂઝવવામાં મદદ કરશે. આ સંશોધન ખાસ કરીને એવા ઘા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે જ્યાં ઈન્ફેક્શનનું જોખમ વધુ હોય છે.

એન્ટિબાયોટિક વગર ઈન્ફેક્શન સામે રક્ષણ

સામાન્ય રીતે ઊંડા ઘામાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાની અને શરીરમાં હાનિકારક મોલેક્યુલ્સ (ROS) જમા થવાની શક્યતા રહે છે, જે રૂઝ આવવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. સંશોધકોએ આ પડકારને પહોંચી વળવા માટે એન્ટિબાયોટિક-મુક્ત પદ્ધતિ અપનાવી છે. આ હાઈડ્રોજેલમાં 'સીરિયમ' (Cerium) અને 'રૂટિન' (Rutin) નામના નેનોકોમ્પ્લેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સીરિયમ એ શરીરમાં એન્ટીઑકિસડન્ટ એન્ઝાઇમ તરીકે કામ કરીને વધારાના હાનિકારક તત્વોને દૂર કરે છે, જ્યારે રૂટિન બેક્ટેરિયા સામે લડવાની અને સોજો ઘટાડવાની શક્તિ ધરાવે છે.

પોતાના વજન કરતા 10 ગણું પ્રવાહી શોષવાની ક્ષમતા

આ હાઈડ્રોજેલની એક મુખ્ય વિશેષતા તેની પ્રવાહી શોષવાની અદભૂત ક્ષમતા છે. તે ઘામાંથી નીકળતા વધારાના પ્રવાહીને તેના પોતાના વજન કરતા 10 ગણું વધુ શોષી શકે છે. ઘામાં વધુ પડતું પ્રવાહી જમા થવાથી ઈન્ફેક્શનનું જોખમ વધે છે અને આસપાસની તંદુરસ્ત પેશીઓ નબળી પડે છે. આ હાઈડ્રોજેલ ઘાને ભેજયુક્ત રાખવાની સાથે પ્રવાહીને નિયંત્રિત કરી પેશીઓના પુનર્જીવનમાં મદદ કરે છે.

સંશોધકોનો મત

IITGNના બાયોલોજિકલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર મુકેશ ધનકાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માત્ર ઘાને ઢાંકવા પૂરતી પટ્ટીઓ પૂરતી નથી, પરંતુ એવી સામગ્રીની જરૂર છે જે રૂઝ આવવામાં અવરોધ ઉભા કરતા જૈવિક પડકારોનો સામનો કરી શકે. આ હાઈડ્રોજેલ ઇન્જેક્શન દ્વારા ઘાના સ્થળે આપવાથી તે લાંબા સમય સુધી દવાની અસર જાળવી રાખે છે, જેનાથી ઘા ઝડપથી ભરાય છે.

ભવિષ્યમાં માનવી અને પ્રાણીઓ બંને માટે ઉપયોગી

આ સંશોધન પ્રતિષ્ઠિત જર્નલ 'ACS Applied Bio Materials'માં પ્રકાશિત થયું છે. લેબોરેટરી અને પ્રાણીઓ પરના પરીક્ષણોમાં આ હાઈડ્રોજેલ સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ છે. આ ટેકનોલોજી પેટન્ટ કરવામાં આવી છે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં માનવીઓ તેમજ પશુચિકિત્સા ક્ષેત્રે ઘાની સારવાર માટે થઈ શકશે. હાલમાં સંશોધન ટીમ આ ટેકનોલોજીના વ્યાપારીકરણ અને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે ઉદ્યોગ જગતના ભાગીદારો શોધી રહી છે.

આ ટીમાં પ્રો. મુકેશ ધનકા, શ્રેયશ અપોટીકર સહિત IITGNના અન્ય નિષ્ણાતો અને નિરમા યુનિવર્સિટીના પ્રો. શ્રીરામ શેષાદ્રી અને તેમની ટીમનો સમાવેશ થાય છે. આ શોધ આગામી સમયમાં રિવોલ્યુશનરી મેડિસિન ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાબિત થશે.