IIT ગાંધીનગર ખાતે 20 દેશોના શિક્ષકો માટે 2 સપ્તાહના ખાસ 'ITEC' ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો પ્રારંભ

IIT ગાંધીનગર ખાતે 20 દેશોના શિક્ષકો માટે 2 સપ્તાહના ખાસ 'ITEC' ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો પ્રારંભ થયો છે. જાણો તેની વિશેષતાઓ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 15 Sep 2026 05:24 PM (IST)Updated: Tue, 15 Sep 2026 05:24 PM (IST)
iit-gandhinagar-hosts-itec-faculty-development-program-for-20-nations

IIT Gandhinagar ITEC Program: ભારતીય ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર (IIT Gandhinagar) ખાતે વિદેશ મંત્રાલયના મહત્વપૂર્ણ 'ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન' (ITEC) કાર્યક્રમ હેઠળ ASEAN અને ગ્લોબલ સાઉથના દેશો માટે બે સપ્તાહના ખાસ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ભવ્ય પ્રારંભ થયો છે. આગામી 14 થી 25 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાઈ રહેલા આ વૈશ્વિક કાર્યક્રમમાં દુનિયાના 20 અલગ-અલગ દેશોના શિક્ષકો અને શિક્ષણવિદો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

20 દેશોના શિક્ષણવિદોની વિશેષ સહભાગિતા

આ આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામમાં વૈશ્વિક સ્તરેથી પ્રતિનિધિઓએ હાજરી આપી છે. સહભાગી દેશોમાં અલ્જેરિયા, ભૂતાન, કમ્બોડિયા, ઇક્વાડોર, ઇજિપ્ત, કેન્યા, લાઓસ, મલાવી, માલદીવ્સ, મોરિશિયસ, મોઝામ્બિક, નામિબિયા, નેપાળ, ફિલિપિન્સ, શ્રીલંકા, તાંઝાનિયા, ટિમોર-લેસ્તે, ટ્રિનિડાડ અને ટોબેગો, વિયેતનામ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

ઉચ્ચ શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ પર મંથન

આ બે સપ્તાહના સઘન કાર્યક્રમમાં શિક્ષણ જગતના બદલાતા પ્રવાહો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે:

  • ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારા
  • એક્ટિવ લર્નિંગ અને લર્નર-સેન્ટ્રિક ટીચિંગ પદ્ધતિઓ
  • કુરિક્યુલમ ઇનોવેશન (અભ્યાસક્રમમાં નવીનતા)
  • આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ (Academic Collaboration)
  • સંશોધન, ઇનોવેશન અને વિદ્યાર્થીઓની સુખાકારી (Student Well-being) જેવા વિષયો આવરી લેવાયા છે.

મહાનુભાવોના પ્રેરક વિચારો

ઉદ્ઘાટન સત્ર દરમિયાન IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મુનાએ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક જોડાણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ પહેલ વિવિધ દેશો વચ્ચે જ્ઞાનના આદાનપ્રદાન અને મજબૂત ભાગીદારી સ્થાપિત કરવા માટે ઉત્તમ અવસર પૂરો પાડે છે.

જ્યારે એક્સટર્નલ રિલેશન્સના ડીન પ્રો. અમિત પ્રશાંતએ ટેકનોલોજી-સંચાલિત વર્તમાન યુગમાં શિક્ષકોની બદલાતી ભૂમિકા અને વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ તેમજત્મવિશ્વાસ વધારવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

વિદેશી પ્રતિનિધિઓનો સકારાત્મક પ્રતિસાદ

વિદેશથી આવેલા સહભાગીઓએ આ પ્લેટફોર્મને અત્યંત ઉપયોગી ગણાવ્યું છે. તાંઝાનિયાની સેન્ટ ઓગસ્ટિન યુનિવર્સિટીના ડૉ. ફ્રેન્ક મવામાકુલા, વિયેતનામ નેશનલ યુનિવર્સિટીના ફાન થાન હુયેન અને ફિલિપિન્સની મિરિયમ કોલેજના જોએલ માર્ક બાયસા બાર્રેડોએ આ પહેલને શૈક્ષણિક અનુભવોની આપ-લે અને ગ્લોબલ સાઉથમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સીમાચિહ્નરૂપ ગણાવી હતી.

ગુજરાતના સાંસ્કૃતિક અને ટેક્નોલોજીકલ સ્થળોની મુલાકાત

માત્ર ક્લાસરૂમ પૂરતા મર્યાદિત નહીં રહેતા, આ પ્રોગ્રામ અંતર્ગત વિદેશી મહેમાનો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિકાસથી પરિચિત થાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ, રાણી કી વાવ, મોઢેરા સૂર્ય મંદિર અને ગિફ્ટ સિટી (GIFT City) ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક મુલાકાતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સમાપન અને આયોજન

આ કાર્યક્રમનું સફળ સંચાલન કો-કોઓર્ડિનેટર પ્રો. આશુતોષ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન પ્રો. અમિત પ્રશાંતે આપ્યું હતું જ્યારે આભારવિધિ કો-કોઓર્ડિનેટર પ્રો. સમીર પટેલે કરી હતી. આગામી 25 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રતિસાદ સત્ર અને ભવ્ય સમાપન સમારોહ સાથે આ બે સપ્તાહના પ્રોગ્રામની પૂર્ણાહુતિ થશે.