હવે ઓવરલોડ વાહનોની ખેર નહીં! ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી કપાશે સીધો 4 ગણો દંડ

દંડની રકમ રોકડમાં વસૂલી શકાશે નહીં, માત્ર ઓટોમેટિક ફાસ્ટેગથી જ કપાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 20 Apr 2026 09:33 AM (IST)Updated: Mon, 20 Apr 2026 09:33 AM (IST)
national-highway-fastag-penalizes-overloaded-vehicles-gujarat-news
HIGHLIGHTS
  • ટોલપલાઝા પર જ RTOનું કામ
  • ઓવરલોડ વાહનોને હવે થશે દંડ
  • ફાસ્ટટેગથી 4 ગણા સુધીનો દંડ

Overloaded vehicles Fine: નેશનલ હાઇવે પર દોડતા ઓવરલોડ વાહનોને કારણે થતા ગંભીર અકસ્માતો અને ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યના ટોલપ્લાઝાઓ પર RTO ઇન્સ્પેક્ટરો જેવી કામગીરી કરવામાં આવશે, અને ઓવરલોડ વાહન પસાર થશે તો સીધો ફાસ્ટેગમાંથી જ દંડ વસૂલવામાં આવશે.

કેવો રહેશે દંડનો નવો નિયમ?

વાહનવ્યવહારના નવા નિયમો અનુસાર દંડની રકમ ઓવરલોડના પ્રમાણ પર નિર્ભર રહેશે:

  • 10 ટકા સુધીની છૂટ: નિયમ મુજબ નક્કી કરેલ વજન મર્યાદા કરતા 10 ટકા સુધી વધુ સામાન હશે તો તે ફ્રી રહેશે, અને કોઈ દંડ લાગશે નહીં. ઉદાહરણ તરીકે, જો 28.5 ટન સામાનની મંજૂરી હોય, તો 31.35 ટન સુધી કોઈ દંડ નહીં થાય.
  • બે ગણો દંડ: જો વાહનમાં 10 થી 40 ટકા ઓવરલોડ સામાન હશે (એટલે કે  28.5 ટન સામાનની મંજૂરી સામે 31.5 થી 39.90 ટન સામાન), તો વાહનચાલક પાસેથી બે ગણો દંડ વસૂલવામાં આવશે.
  • ચાર ગણો દંડ: જો વાહનમાં 40 ટકાથી વધુ (28.5 ટન સામાનની મંજૂરી સામે 39.90 ટનથી વધુ) સામાન ભરેલો હશે, તો સ્થળ પર જ ફાસ્ટેગના માધ્યમથી ચાર ગણો દંડ વસૂલાશે.

કેન્દ્રના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા 13 એપ્રિલથી આ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે, અને ગુજરાત સરકાર ચૂંટણી બાદ પરિપત્ર બહાર પાડીને આ નિયમનો કડક અમલ શરૂ કરશે. ખાસ વાત એ છે કે દંડની રકમ રોકડમાં વસૂલી શકાશે નહીં, તે માત્ર ઓટોમેટિક ફાસ્ટેગથી જ કપાશે.

ઓવરલોડની ચકાસણી કેવી રીતે થશે?

નેશનલ હાઇવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રત્યેક રોડ પર વે બ્રિજ (વજન કાંટા)ની વ્યવસ્થા છે. જ્યારે પણ કોઈ શંકાસ્પદ ઓવરલોડ વાહન ટોલ પ્લાઝા પર આવશે, ત્યારે તેને પ્રથમ વે બ્રિજ પર લઈ જઈને તેના વજનની ચકાસણી કરવામાં આવશે. જો સામાન નિયમ વિરુદ્ધ હશે, તો ફાસ્ટેગથી દંડ કપાશે.

નવા નિયમ સામે નિષ્ણાતોની ચિંતા

ઓટોમેટિક દંડથી ભ્રષ્ટાચાર ઘટવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ આ પ્રક્રિયા સામે કેટલાક પ્રશ્નો પણ ઉઠ્યા છે. ચર્ચા એવી છે કે ઓવરલોડ એ ખરેખર RTO ટેકનિકલ ઇન્સ્પેકટરોનો વિષય છે, તો પછી આ કામગીરી ટોલપ્લાઝાને કેમ સોંપાઈ રહી છે તે પૂર્વ અધિકારીઓને મૂંઝવી રહ્યું છે.

આ ઉપરાંત, નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે વે બ્રિજનું સંચાલન ટોલપ્લાઝાના હાથમાં હોવાથી ભવિષ્યમાં વજનમાં ગરબડ થવાની પૂરી શક્યતા છે. જેમ વાહન ફિટનેશ સેન્ટરોમાં ગેરરીતિઓ થાય છે, તેવી જ રીતે વે બ્રિજમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી શકે છે, તેથી રાજ્ય સરકારે તમામ પાસાઓ ચકાસીને આ નિયમ લાગુ કરવો જોઈએ.