અંબાલાલ પટેલની આગાહી: 42 ડિગ્રી ગરમી વચ્ચે કરવું પડી શકે મતદાન; રાજકારણીઓની ચિંતા વધી, પક્ષોએ ઘડી ખાસ રણનીતિ

આગામી 20 અને 21 એપ્રિલના રોજ માવઠાની પણ આગાહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 20 Apr 2026 08:54 AM (IST)Updated: Mon, 20 Apr 2026 08:54 AM (IST)
gujarat-local-election-2026-ambalal-patel-weather-forecast-political-strategy
HIGHLIGHTS
  • ગરમી અંગે અંબાલાલની મોટી આગાહી
  • 26 એપ્રિલે ચૂંટણીમાં 42°C ગરમી રહેશે

Gujarat Elections 2026, Ambalal Patel Prediction: ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કુદરતી ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. આગામી 26 એપ્રિલે રાજ્યમાં મતદાન યોજાવાનું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી અંગે કરેલી આગાહીએ રાજકીય પક્ષોનું ટેન્શન વધારી દીધું છે.

મતદાનના દિવસે 41-42°C તાપમાનની શક્યતા

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 26 એપ્રિલના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં 42 ડિગ્રીની આસપાસ, સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ બે દિવસ કમોસમી વરસાદની પણ આગાહી

જોકે, 20 અને 21 એપ્રિલના રોજ માવઠાની અને 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. પરંતુ મતદાનના દિવસે આકરી ગરમી યથાવત્ રહી શકે છે. 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે 21 એપ્રિલે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં વરસાદ પડવાની સંભાવના છે. 

રાજકીય પક્ષોની રણનીતિ અને તૈયારીઓ 

ગરમીના કારણે મતદાન ઓછું ન થાય તે માટે રાજકીય પક્ષોએ સવારે 10 વાગ્યા પહેલા અને બપોરે 4:30 વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાસ તૈયારીઓ શરૂ કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ મતદારોને વહેલી સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ કરી છે અને મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી તેમજ ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા સિનિયર સિટિઝનો માટે ખાસ વ્યવસ્થાની સાથે પરિવહન, પાણી અને છાશની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી લોકોના ઉત્સાહ અને આક્રોશને મતપેટી સુધી પહોંચાડી શકાય.

આમ આદમી પાર્ટી (AAP) બીમાર અને વડીલ મતદારોને સવારે-સાંજે મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહી છે, અને પાણીની સુવિધા આપી રહી છે. પાર્ટીનું કહેવું છે કે "ગરમી થોડા સમય માટે હોય છે, પરંતુ મતનો પ્રભાવ પાંચ વર્ષ સુધી રહેવાનો છે".

2027ની વિધાનસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ

વર્ષ 2026ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણી માટેની સેમિ-ફાઇનલ માનવામાં આવે છે, જેમાં ગરમી એક મોટો મુદ્દો બની ગઈ છે. આ પરિસ્થિતિમાં તમામ પક્ષો પૂરજોશમાં પ્રયાસ કરી રહ્યા છે અને નાગરિકોને પણ ગરમીની પરવા કર્યા વગર લોકશાહીના આ પર્વમાં 100 ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે.