Gujarat Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, , હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. માવઠાની શક્યતાની સાથે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે.
રાજ્યના અમુક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, આગામી ચાર દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી પણ વધુ રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં નાગરિકોને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદનું આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની સંભાવના છે. અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આજે 20 એપ્રિલના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદનો માહોલ રહી શકે છે. 21 એપ્રિલના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 22 એપ્રિલના રોજ પણ સવારના સમયે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમી પવનોમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત
હવામાન વિભાગના મતે, હવામાનમાં આવતા આ ફેરફારો પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે જોવા મળી રહ્યાં છે. મધ્ય ટ્રોપોસ્ફિયરિક પશ્ચિમી પવનોમાં એક ટ્રફ સમુદ્ર સપાટીથી 5.8 km ની ઊંચાઈએ સક્રિય છે. તે જ સમયે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સમુદ્ર સપાટીથી 1.5 km ની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે ભેજવાળા પવનોને કારણે વરસાદી વાતાવરણ ઉભું કરી રહ્યું છે.
