Gopal Italia's letter to CM: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને એક અનોખો પ્રસ્તાવ મૂકતા પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પત્ર લખતા ગોપાલ ઇટાલિયાએ માંગ કરી છે કે, ગુજરાતમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સહિતની નાગરિકો સાથે જોડાયેલી કચેરીઓને રાત્રે મોડા સુધી ખુલ્લી રાખવી જોઈએ.
ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ મૂક્યો અનોખો પ્રસ્તાવ
ગુજરાતમાં નાગરિકોને સરકારી કામકાજ માટે નોકરી-ધંધામાં રજા પાડીને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે એ માટે ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો. મુખ્યમંત્રી જોગ લખેલા આ પત્રમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, જો પોલીસ સ્ટેશન અને ટોલનાકા જેવી વ્યવસ્થાઓ રાત-દિવસ ચાલુ રહી શકતી હોય, તો જનતાના હિત માટે વહીવટી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી કેમ ચાલુ ન રાખી શકાય?

MLA ગોપાલ ઈટાલિયાએ CMને લખ્યો પત્ર
MLA ગોપાલ ઈટાલિયાએ પત્રમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાલમાં પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેશન, ટોલનાકા, સરકારી દવાખાના સહિત અનેક સરકારી વ્યવસ્થા રાત્રિ દરમ્યાન પણ ચાલુ રહે છે. આથી જનતાને જરૂરી હોય તેવી કચેરીઓ પણ બપોરના 2 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા દરમ્યાન ચાલુ કરવામાં આવે તો લોકોને કામધંધામાં રજા રાખવી નહિ પડે અને જનતાને સરળતા થઈ શકે તેમ છે.
જો સરકારી ટોલનાકા આખી રાત ચાલુ રાખી શકાય તો મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી રાતના નવ વાગ્યા સુધી ચાલુ કેમ ન રાખી શકાય? અરજદારોએ પોતાની નોકરી કે ધંધામાં રજા રાખ્યા વગર સરળતાથી પોતાનું કામ કરાવી શકે તે માટે જનતાના હિતને ધ્યાનમાં રાખીને રાત્રિ કચેરી ચાલુ કરવાનો નિર્ણય કરવા મારી વિનંતી છે.
