Gujarat Government Scheme: ગુજરાત સરકાર દ્વારા અનાથ અને નિરાધાર દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે એક અત્યંત સંવેદનશીલ અને કલ્યાણકારી પહેલ કરવામાં આવી છે. 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' અને 'પાલક માતા-પિતા યોજના' હેઠળ જે દીકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે, તેમને લગ્ન પ્રસંગે કોઈ આર્થિક મુશ્કેલી ન પડે તે હેતુથી સરકાર દ્વારા ₹2 લાખની માતબર સહાય પૂરી પાડવામાં આવે છે.
અનાથ દીકરીઓના કન્યાદાનમાં સરકારનો સહયોગ
રાજ્ય સરકાર માતા-પિતા વિહોણી દીકરીઓની વાલી બનીને તેમની પડખે ઊભી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવી દીકરીઓને મદદ કરવાનો છે જેઓ 18 વર્ષની વય પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે છે અને જેમના પરિવાર કે સગાં-સંબંધીઓ પર લગ્નનો આર્થિક બોજો ન પડે. માર્ચ 2023 થી નવેમ્બર 2025 સુધીમાં સરકારે 628 દીકરીઓને કુલ 12 કરોડ 56 લાખની સહાય ચૂકવી દીધી છે.
માસિક ભથ્થું અને વય મર્યાદામાં વધારો
'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ જો બાળકના માતા-પિતા બંનેનું મૃત્યુ થયું હોય તો તેને દર મહિને ₹4,000ની સહાય આપવામાં આવે છે. જો માતા અથવા પિતા પૈકી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો ₹2,000ની સહાય મળે છે. અગાઉ આ મદદ 18 વર્ષની વય સુધી મળતી હતી, પરંતુ હવે સરકારે તેમાં 3 વર્ષનો વધારો કરીને 21 વર્ષની વય સુધી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, 'પાલક માતા-પિતા યોજના' હેઠળ દર મહિને ₹3,000 ચૂકવવામાં આવે છે.
લગ્ન સહાય માટેની લાયકાત અને શરતો
- યોજનાનો લાભ: જે દીકરીઓએ 'પાલક માતા-પિતા યોજના' અથવા 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'નો લાભ લીધેલો હોય તેમને જ આ ₹2 લાખની લગ્ન સહાય મળે છે.
- અમલીકરણ તારીખ: આ યોજના 1 એપ્રિલ, 2023થી શરૂ કરવામાં આવી છે, તેથી આ તારીખ કે ત્યારબાદ લગ્ન કરનાર પાત્ર દીકરીઓ અરજી કરી શકે છે.
- વય મર્યાદા: કાયદાકીય જોગવાઈ મુજબ દીકરીની ઉંમર લગ્ન સમયે 18 વર્ષથી વધુ હોવી અનિવાર્ય છે.
- અરજીનો સમયગાળો: લગ્ન થયાના 2 વર્ષની અંદર ગમે ત્યારે સહાય મેળવવા માટે અરજી કરી શકાય છે.
જરૂરી દસ્તાવેજો (Documents)
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહે છે:
- 1) દીકરીની જન્મ તારીખનો પુરાવો
- 2) દીકરી જેની સાથે લગ્ન કરવાની છે તેની જન્મ તારીખનો પુરાવો
- 3) પાલક માતા-પિતા/મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભનો પુરાવો
- 4) મેરેજ સર્ટિફિકેટ
- 5) દીકરીનું આધાર કાર્ડ
- 6) દીકરીની બેંક વિગતો (બેંક પાસબુક અથવા કેન્સલ ચેક)
સમાજ સુરક્ષા વિભાગના નિયામક વિક્રમસિંહ જાદવના જણાવ્યા અનુસાર, મોંઘવારીના આ સમયમાં અનાથ દીકરીઓને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવી એ સરકારનું ઉમદા કાર્ય છે. અમદાવાદના ચાંદખેડા જેવા વિસ્તારોમાં રહેતી અનેક દીકરીઓએ આ યોજનાનો લાભ મેળવીને પોતાના નવા જીવનની સુખદ શરૂઆત કરી છે.

