Ahmedabad Gandhinagar Metro: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GMRC દ્વારા ફેઝ-2ના બે મહત્ત્વપૂર્ણ મેટ્રો સ્ટેશન - કોબા ગામ અને જૂના કોબાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સ્ટેશનોને દિવાળી પહેલાં મુસાફરો માટે ખુલ્લા મૂકવામાં આવે તેવી શક્યતા છે, જેથી કોબા અને આસપાસના વિસ્તારના લોકોને ભારે રાહત મળશે.
હાલમાં મોટેરાથી સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન ચાલી રહી છે, પરંતુ કોબાના આ બે સ્ટેશનોનું કામ બાકી હોવાથી તે શરૂ થયા નહોતા. હવે CMRS દ્વારા નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં સેફ્ટી ક્લીયરન્સ મળતા જ આ સ્ટેશનો શરૂ કરી દેવામાં આવશે.
ડિસેમ્બરમાં મેટ્રો મહાત્મા મંદિર સુધી પહોંચશે
ડિસેમ્બરના અંત સુધીમાં મેટ્રો ટ્રેન એપીએમસીથી સીધી અક્ષરધામ અને મહાત્મા મંદિર સુધી દોડતી થઈ જશે. હાલ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના પાંચ કિલોમીટરના રૂટ પર આવતા અક્ષરધામ અને જૂના સચિવાલય જેવા સ્ટેશનોનું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂર્ણ થયા બાદ CMRS દ્વારા નિરીક્ષણ કરાશે અને ક્લીયરન્સ મળતા જ આ રૂટ શરૂ થઈ જશે.
મુસાફરો માટે ફાયદો અને બ્યુટિફિકેશન
- કોબા અને જૂના કોબાના સ્થાનિકોને હવે દૂરના સ્ટેશન સુધી જવું નહીં પડે.
- અક્ષરધામ, મહાત્મા મંદિર, અને ગાંધીનગર રેલવે સ્ટેશન જેવા મહત્ત્વના સ્થળો સુધી ઓછો સમય અને ઓછા ભાડામાં પહોંચી શકાશે.
- સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે મુસાફરી વધુ સરળ બનશે.
- સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર રસ્તાની બંને તરફ લેન્ડસ્કેપિંગ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેથી મુસાફરો નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે.
- આ નવા સ્ટેશનો અને વિસ્તૃત રૂટ સાથે, અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે મેટ્રો ટ્રેન મુસાફરીનો મુખ્ય વિકલ્પ બનશે.