Gandhinagar News: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) ખાતે અર્થ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રો. પંકજ ખન્ના ઈન્ટરનેશનલ ઓશન ડિસ્કવરી પ્રોગ્રામ (IODP)ની 29 ઓગસ્ટથી 01 નવેમ્બર, 2023 દરમિયાન હાથ ધરવામાં આવનાર હવાઈમાં સબમર્જ્ડ કોરલ રીફ્સ માટેની એક્સ્પિડિશન (“IODP એક્સ્પિડિશન 389”)ના ઑફશોર તબક્કામાં ભાગ લેનારા ભારતના એકમાત્ર સંશોધન વૈજ્ઞાનિક અને સેડિમેન્ટોલોજિસ્ટ તરીકે પસંદગી પામ્યા છે. પ્રોફેસર ખન્ના વિશ્વભરના અગ્રણી સંશોધન વૈજ્ઞાનિકોની 31-સદસ્યની ટીમનો ભાગ છે જેઓ આપણા ગ્રહ વિશે વધુ જાણવા માટે હવાઇયન ટાપુઓની આસપાસના અશ્મિભૂત કોરલ રીફની શ્રેણીમાં ડ્રિલિંગ અને અભ્યાસ કરીને વૈશ્વિક દરિયાઈ સ્તરના ફેરફાર અને વૈશ્વિક આબોહવા પરિવર્તન વચ્ચેના સંબંધની તપાસ કરશે.
IODP અને ECORD શું કરે છે?
ઇન્ટરનેશનલ ઓશન ડિસ્કવરી પ્રોગ્રામ (IODP) એ ભારત સહિત 21 દેશોનો આંતરરાષ્ટ્રીય મહાસાગર સંશોધન સહયોગ છે. તેની સ્થાપના સમુદ્રના તળના કાંપ અને ખડકોને એકત્રિત કરીને અને તેનો અભ્યાસ કરીને અને સબ-સીફ્લોર વાતાવરણનું નિરીક્ષણ કરીને પૃથ્વીના ઇતિહાસ, બંધારણ, અને ગતિશીલતાને શોધવા માટે કરવામાં આવી હતી. યુરોપીયન કન્સોર્ટિયમ ફોર ઓશન રિસર્ચ ડ્રિલિંગ (ECORD), જે IODPનો એક ભાગ છે, તે હવાઈ દરિયામાં ડૂબી ગયેલા પરવાળાના ખડકોને ડ્રિલ કરવા માટેના વર્તમાન “એક્સ્પિડિશન 389” જેવા મિશન-વિશિષ્ટ પ્લેટફોર્મના અમલીકરણ માટે જવાબદાર છે.
“IODP એક્સ્પિડિશન 389” શું છે?
સહ-મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર જોડી વેબસ્ટર, યુનિવર્સિટી ઓફ સિડની, ઓસ્ટ્રેલિયા, અને પ્રોફેસર ક્રિસ્ટીના રેવેલો, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રુઝ, યુએસએ,ની આગેવાની હેઠળની વૈજ્ઞાનિક ટીમ આધુનિક સબમર્સિબલ ડ્રિલિંગ સિસ્ટમ - બેન્થિક પોર્ટેબલ રિમોટલી ઓપરેટેડ ડ્રિલ (PROD5) અને અત્યાધુનિક સાધનોથી સજ્જ જહાજ MMA વેલોર પર સવાર રહેશે. તેઓ હવાઇયન ટાપુઓની આસપાસના અશ્મિભૂત કોરલ રીફની શ્રેણીમાં, સમુદ્રના તળથી નીચે મહત્તમ 110 મીટરની જાડાઈ સુધી અગિયાર સ્થાનો પર સંશોધન હાથ ધરશે. પૃથ્વીના આબોહવા ઇતિહાસના નોંધપાત્ર સમયગાળાને આવરી લેતા, આ કુદરતી અશ્મિભૂત રોક આર્કાઇવ્સમાં સમાવિષ્ટ માહિતી વૈજ્ઞાનિકોને સમુદ્ર-સ્તરના ફેરફારોને વધુ ઊંચા રિઝોલ્યુશન પર પુનઃનિર્માણ કરવામાં મદદ કરશે.
IODP એક્સ્પિડિશન 389ના મુખ્ય લક્ષ્યો છે
1) છેલ્લા પાંચ લાખ વર્ષોમાં દરિયાઈ સપાટીની વધઘટની હદ માપવી
2) શા માટે દરિયાની સપાટી અને આબોહવા સમય સાથે બદલાય છે તેની તપાસ કરવી
3) પરવાળાના ખડકો અચાનક દરિયાઈ સપાટી અને આબોહવા પરિવર્તનને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેની તપાસ કરવી
4) સમય જતાં હવાઈના ટાપુની વૃદ્ધિ અને ઘટાડા અંગેના વૈજ્ઞાનિક જ્ઞાનમાં સુધારો કરવો
સંશોધન એક્સ્પિડિશન વિશે વધુ વિગતો શેર કરતાં, પ્રોફેસર પંકજ ખન્નાએ જણાવ્યું કે, “સંશોધન ક્રૂઝ છેલ્લાં પાંચ લાખ વર્ષો માટે, જેના માટે ખૂબ જ મર્યાદિત રેકોર્ડ્સ ઉપલબ્ધ છે, અગાઉના દરિયાની સપાટી અને આબોહવા અંગે ઊંડાણપૂર્વક જાણવા માટે મહત્ત્વપૂર્ણ ડેટાસેટ પૂરો પાડશે. વૈજ્ઞાનિક ડ્રિલિંગ દ્વારા એકત્રિત કરાયેલા ખડકો અચાનક આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરતી પદ્ધતિઓ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે. હવાઈમાં સબમર્જ્ડ કોરલ રીફ્સમાં આપણા માટે શું છૂપાયેલું છે તે અંગેની આપણી સમજને વિસ્તારવા માટે હું આતુર છું.”
