IIT Gandhinagar Cancer Therapy Research: કેન્સર જેવી ગંભીર બીમારીની સારવારમાં તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર કેન્સરગ્રસ્ત કોષોને પસંદગીપૂર્વક નષ્ટ કરવા એ તબીબી વિજ્ઞાન માટે હંમેશાં એક મોટો પડકાર રહ્યો છે. આ દિશામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-GN) ના સંશોધકોએ એક મોટી સફળતા મેળવી છે.
કેન્સરની સારવારની દિશામાં મોટું સંશોધન
IIT ગાંધીનગરના સંશોધકોએ ગોલ્ડ નેનોરોડ (સોનાના અતિ સૂક્ષ્મ કણો) આધારિત એક અદભુત પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જે કેન્સરના કોષોના મુખ્ય પ્રોટીન ઉત્પાદક કેન્દ્ર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ (ER) ને સીધું લક્ષ્ય બનાવીને કીમોથેરાપી દવાઓ પહોંચાડે છે. સાથે જ નજીકના ઈન્ફ્રારેડ પ્રકાશના સંપર્કમાં આવતા ગરમી ઉત્પન્ન કરીને કેન્સરના કોષોનો નાશ કરે છે. આ સંશોધનના તારણો તાજેતરમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સામયિક 'જર્નલ ઓફ મટીરીયલ્સ કેમેસ્ટ્રી B' માં પ્રકાશિત થયા છે.
નવી પદ્ધતિથી સેલ્યુલર સ્તરે સીધો હુમલો
આ સંશોધન ઓર્ગેનેલ-ટાર્ગેટેડ નેનો મેડિસિન ક્ષેત્રે નવો વળાંક લાવશે. માહિતી અનુસાર, કોષમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ (ER) પ્રોટીન બનાવવા અને પ્રોસેસ કરવા માટે જવાબદાર મુખ્ય અંગિકા છે. જ્યારે આ અંગિકા વધુ પડતા દબાણમાં આવે છે, ત્યારે તે આપમેળે કોષના મૃત્યુના માર્ગોને સક્રિય કરી આપે છે.
આ નવીનતમ ટેકનોલોજી વિશે માહિતી આપતા IIT ગાંધીનગરના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સુધીપ્તા બાસુએ જણાવ્યું હતું કે, "અમને એ વિચારથી પ્રેરણા મળી કે શું આપણે કોઈ નેનો મટીરીયલનો ઉપયોગ માત્ર દવા વહન કરવા ઉપરાંત તેની કેન્સર કોષો પર થતી પ્રક્રિયા અને સ્થળને નિયંત્રિત કરવા માટે પણ કરી શકીએ?"
દવાઓ અને ટેકનોલોજીનો અજોડ સમન્વય
આ પદ્ધતિને સાકાર કરવા માટે સંશોધકોની ટીમે નેનોસ્કેલ ગોલ્ડ નેનોરોડનો ઉપયોગ કર્યો છે, જે નજીકના ઈન્ફ્રારેડ પ્રકાશને શોષીને તેને ગરમીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ નેનોરોડ્સ પર કીમોથેરાપી દવાઓ સિસ્પ્લેટિન (cisplatin) અને ઈન્ડોમેથાસિન (indomethacin) નું મિશ્રણ લગાવવામાં આવ્યું છે.
આ સાથે 'Slow-release' અથવા નિશ્ચિત દિશા આપવા માટે 'ડેન્સિલ-સલ્ફોનામાઈડ' નામનો વિશેષ અણુ જોડવામાં આવ્યો છે, જે ગોલ્ડ નેનો-રોડ્સને સીધા જ કેન્સર કોષના એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ (ER) સુધી પહોંચવામાં મદદ કરે છે અને સબસેલ્યુલર ઈમેજિંગ પણ સક્ષમ બનાવે છે. વન્યજીવ કે માનવીય કેન્સર સારવારમાં ગોલ્ડ નેનોરોડ્સ અને દવાઓનું આવું ER-ટાર્ગેટેડ સંયોજન વિશ્વમાં પ્રથમ વખત રજૂ કર્યું હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો છે.
લેબોરેટરી પરીક્ષણમાં મળી અદભુત સફળતા
જ્યારે સંશોધકોએ કેન્સરગ્રસ્ત કોષો પર આ નેનો-રોડ્સનું પરીક્ષણ કર્યું, ત્યારે જોવા મળ્યું કે તે અત્યંત ઝડપથી કોષના ER માં જમા થઈ ગયા હતા. વધુમાં, કેન્સરના કોષોની પ્રોટીન પ્રોસેસિંગ સિસ્ટમને સંપૂર્ણપણે ખોરવી નાખીને તેમના પર ભારે દબાણ પેદા કર્યું હતું. જ્યારે તેના પર ચોક્કસ પ્રકાશ ફેંકવામાં આવ્યો, ત્યારે તેણે ઓક્સિડેટીવ તણાવ પેદા કરનારા 'રીએક્ટીવ ઓક્સિજન સ્પીસીસ' (ROS) ના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો.
આ તણાવના કારણે કેન્સરના કોષો આપમેળે પોતાના નાશ તરફ આગળ વધ્યા હતા. (જેને વિજ્ઞાનની ભાષામાં ઓટોફેગી અને એપોપ્ટોસિસ કહેવાય છે). વૈજ્ઞાનિકોની ટીમે આ અદભુત પ્લેટફોર્મનું પરીક્ષણ કોલોન (મોટા આંતરડાના) કેન્સર, સર્વાઈકલ (ગર્ભાશયના મુખના) કેન્સર અને બ્રેસ્ટ (સ્તન) કેન્સરના કોષો પર કર્યું હતું. આ પરીક્ષણ દરમિયાન બિન-કેન્સરયુક્ત કોષો પર આ નેનો-પ્લેટફોર્મની ઝેરી અસર નહિવત જોવા મળી હતી, જે તેની સલામતી દર્શાવે છે.
ભવિષ્યનું આયોજન અને ક્લિનિકલ ટ્રાયલ્સ
આ સંશોધનના મુખ્ય લેખિકા અસીમા સાહુએ આ સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અતિ સૂક્ષ્મ નેનો-સ્કેલ સિસ્ટમનું આ રીતે કોષીય સ્તરે સચોટ પરિણામ આપવું એ વિજ્ઞાનનો મોટો ચમત્કાર છે." સહ-લેખિકા દીપાનિતા ચૌધરીએ ઉમેર્યું કે, આ ટેકનોલોજી આપણને રોગના આંતરિક બાયોલોજીને સમજીને તેની સામે સચોટ હથિયાર બનાવવામાં મદદ કરશે.
જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ પરીક્ષણો લેબોરેટરીમાં જ કરવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ જીવંત શરીરમાં ગાંઠ સુધી સુરક્ષિત રીતે કેવી રીતે પહોંચી શકે અને તેની આડઅસરોથી બચીને શરીરમાંથી તેનું યોગ્ય નિકાલ કેવી રીતે થાય, તેના માટે આગામી સમયમાં પ્રાણીઓ (એનિમલ મોડલ્સ) પર વધુ સંશોધન, ઝેરી તત્વોની ચકાસણી અને ફાર્મા કોકીનેટિક મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ માનવ શરીર પર તેના ક્લિનિકલ ઉપયોગની મંજૂરી મેળવી શકાશે.
