IIT Gandhinagar National Teacher Award-2026: શિક્ષણ, સંશોધન અને ઈનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IIT-GN) કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. મિથુન રાધાકૃષ્ણનને દેશના પ્રતિષ્ઠિત 'રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર-2026' (National Award to Teachers 2026) થી સન્માનિત કરવામાં આવ્યા છે.
શિક્ષક દિવસના પવિત્ર અવસરે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે ડૉ. મિથુન રાધાકૃષ્ણનને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ડૉ. મિથુન રાધાકૃષ્ણન દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી આ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય સન્માન માટે પસંદ કરાયેલા માત્ર 21 શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રોફેસરોની યાદીમાં સામેલ છે. IIT ગાંધીનગરના સમુદાય માટે આ એક ગર્વની ક્ષણ છે.
શિક્ષણ ક્ષેત્ર તરફનું આકર્ષણ અને પ્રેરણ
આ પુરસ્કાર મળવા બદલ ખુશી વ્યક્ત કરતાં ડૉ. મિથુને જણાવ્યું કે, આ સન્માન તેમના માટે એક શિક્ષક તરીકે સતત આગળ વધવા માટેનું મોટું પ્રોત્સાહન છે. તેમના શિક્ષણ પ્રત્યેના અભિગમ પાછળ કર્ણાટકના મૈસૂર સ્થિત સદવિદ્યા માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલંબિયા યુનિવર્સિટીના તેમના PhD માર્ગદર્શક પ્રોફેસર સનત કુમારનો મોટો હાથ રહ્યો છે.
પોતાના શિક્ષણ પ્રત્યેના રસ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, B.Tech અભ્યાસ દરમિયાન પરીક્ષા પહેલા મિત્રો સાથે કલાકો સુધી અઘરા વિષયની ચર્ચા કરવી અને તેમને સરળતાથી ખ્યાલો સમજાવ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે ભણાવવું ખૂબ ગમે છે. ત્યારબાદ IIT બોમ્બે ખાતે પ્રોફેસર અનિલ કુમાર સાથે JNCASR ફેલોશિપ હેઠળ કામ કરવાની તક મળતાં તેમનો સંશોધન (રિસર્ચ) પ્રત્યેનો ઉત્સાહ અને રસ વધ્યો હતો.
IIT ગાંધીનગરમાં અભિગમ અને સુધારા
IIT ગાંધીનગર ખાતે ડૉ. મિથુન રાધાકૃષ્ણન શિક્ષણ, સંશોધન અને વાસ્તવિક જીવનની ઉપયોગિતાને એક સાથેસાંકળવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓ માટે 'મોલેક્યુલર સિમ્યુલેશન' (Molecular Simulations) અને 'ફાઈનાન્સિયલ મોડેલિંગ' (Financial Modeling) જેવા આધુનિક અને બહુવિધ વિષયો ધરાવતા અભ્યાસક્રમોની શરૂઆત કરી છે.
તેમના શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર તૈયાર જવાબો આપવાને બદલે તેમને સ્વતંત્ર અને તાર્કિક વિચારક બનાવવાનો છે. શિક્ષણ ક્ષેત્રે તેમના માટે સૌથી યાદગાર ક્ષણોમાંની એક ક્ષણ એ હતી જ્યારે તેમના પ્રથમ PhD વિદ્યાર્થીએ આઈઆઈટી ખડગપુર (IIT Kharagpur) માં પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી.
વર્તમાન AI યુગમાં શિક્ષકની ભૂમિકા-મહત્વ
ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઝડપી વિકાસ વચ્ચે શિક્ષકની ભૂમિકા અંગે પોતાનો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ રજુ કરતાં તેમણે જણાવ્યું કે, આજના સમયમાં માહિતી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોવાથી શિક્ષકે હવે માત્ર માહિતી આપનાર બનવાની જરૂર નથી. તેના બદલે, શિક્ષકની મુખ્ય જવાબદારી હવે એ છે કે તેઓ વિદ્યાર્થીઓને વધુ સારા પ્રશ્નો પૂછવા માટે તૈયાર કરે, વિચારોને જોડે અને તેમનામાં યોગ્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ કરે.
IIT ગાંધીનગરના શૈક્ષણિક મૂલ્યો અને ગૌરવ વધારતો આ રાષ્ટ્રીય પુરસ્કાર સંશોધન-આધારિત શિક્ષણ અને પ્રોફેસર-વિદ્યાર્થી વચ્ચેના સીધા સંવાદને મજબૂત બનાવવાના સંસ્થાના પ્રયાસોને વધુ વેગ આપશે. જે ડૉ. રાધાકૃષ્ણનના નવીન શિક્ષણ પ્રયોગો, ઇન્ટર ડીસીપ્લીનરી શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ માર્ગદર્શનની સત્તાવાર સ્વીકૃતિ દર્શાવે છે.
