એન્ટિબાયોટિક દવાની બિનઅસરકારકતા સામે ભારતીય વૈજ્ઞાનિકો આશાનું નવું કિરણ લઈને આવ્યા, હવે સુપરબગ્સથી બચશે લાખો જીવ

IIT ગાંધીનગર અને જામિયા મિલ્લિયાના વૈજ્ઞાનિકોએ જીવલેણ સુપરબગ્સ સામે લડવા 'DSA3' નામનો નવો રાસાયણિક અણુ વિકસાવ્યો છે, જે દવાની પ્રતિકારક શક્તિ તોડવામાં સક્ષમ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 05 Sep 2026 03:43 AM (IST)Updated: Sat, 05 Sep 2026 03:43 AM (IST)
iit-gandhinagars-dsa3-molecule-fights-superbugs-amr-threat

IIT Gandhinagar: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા સહિતની સહયોગી સંસ્થાઓના સંશોધકોએ સંયુક્ત પ્રયાસો દ્વારા એક નવો રાસાયણિક અણુ 'DSA3' વિકસાવ્યો છે. વૈશ્વિક સ્તરે એન્ટિબાયોટિક પ્રતિરોધક (Antimicrobial Resistance - AMR) બેક્ટેરિયા એટલે કે 'સુપરબગ્સ' સામેની લડાઈમાં આ અણુ સુપરબગ્સની રોગપ્રતિકારક શક્તિને તોડીને તેમનો નાશ કરવામાં સક્ષમ છે. આ સંશોધનના પરિણામો પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ 'કેમિસ્ટ્રી એન્ડ બાયોડાયવર્સિટી' માં પ્રકાશિત થયા છે.

મહામારી સમાન ખતરો અને લાખો લોકોના મોતના અંદાજ

વિખ્યાત મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ'માં પ્રકાશિત થયેલા 2024ના ગ્લોબલ રિસર્ચ ઓન એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (GRAM)ના અહેવાલ મુજબ, વર્ષ 2025 થી 2050 દરમિયાન વિશ્વભરમાં દવા-પ્રતિરોધક ચેપને કારણે આશરે 39 મિલિયનથી વધુ લોકો સીધા જ મૃત્યુ પામી શકે છે. આ પૈકી સૌથી ભારે માર દક્ષિણ એશિયા અને ભારત પર પડવાની આશંકા છે, જ્યાં અંદાજે 11.8 મિલિયન લોકો મોતને ભેટી શકે છે. આ ભયાનક સુપરબગ્સના લિસ્ટમાં સામેલ અને ત્વચા તથા લોહીના ગંભીર ચેપ માટે જવાબદાર એવા 'સ્ટેફાયલોકોકસ ઓરિયસ' (S. aureus) બેક્ટેરિયાના કારણે જ વિશ્વમાં આશરે 130,000 લોકો સીધા જ જીવ ગુમાવી ચૂક્યા છે.

નવી ટેકનોલોજી અને હુમલાનો અનોખો માર્ગ

હાલમાં બજારમાં ઉપલબ્ધ મોટાભાગની એન્ટિબાયોટિક દવાઓ બેક્ટેરિયાની બાહ્ય દીવાલોને તોડીને અથવા પ્રોટીન બનાવવાની તેમની સિસ્ટમને બ્લોક કરીને કામ કરે છે. પરંતુ સમય જતાં બેક્ટેરિયાએ આ પદ્ધતિઓ સામે લડવાની પ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે. આ સમસ્યાના ઉકેલ માટે IITGN અને જામિયા મિલ્લિયાના સંશોધકોએ હુમલાનો એક સાવ નવો અને અનોખો માર્ગ શોધી કાઢ્યો છે.

બેક્ટેરિયાનું જિનેટિક એન્જિન થશે ઠપ્પ

કોઈપણ બેક્ટેરિયાને જીવંત રહેવા અને પોતાની વસ્તી વધારવા માટે પોતાના ડીએનએ (DNA)ની નકલ કરવી પડે છે. આ પ્રક્રિયા માટે 'થાઇમિડિન કાઇનેઝ' (TK) નામનો એન્ઝાઇમ (ઉત્સેચક) અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય વૈજ્ઞાનિકોની ટીમે કમ્પ્યુટર મોડેલિંગ અને લેબોરેટરી પ્રયોગો દ્વારા 'DSA3' નામનો એક અનોખો અણુ વિકસાવ્યો છે જે સીધો આ થાઇમિડિન કાઇનેઝ એન્ઝાઇમના એટીપી-બાઇન્ડિંગ પોકેટ પર હુમલો કરે છે. લેબ ટેસ્ટિંગમાં સાબિત થયું છે કે માત્ર 6.996 μM ની નજીવી સાંદ્રતા ધરાવતો આ અણુ એન્ઝાઇમની શક્તિને અડધી કરી નાખે છે, જેનાથી બેક્ટેરિયાનું જિનેટિક એન્જિન જામ થઈ જાય છે અને છેવટે બેક્ટેરિયા મૃત્યુ પામે છે.

સંશોધકોના મંતવ્યો અને ભવિષ્યની દિશા

સંશોધન અંગે વાત કરતા IITGNના પ્રોફેસર ભાસ્કર દત્તાએ જણાવ્યું હતું કે- એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ એ એક અવિરત ચાલતી ઉત્ક્રાંતિની સ્પર્ધા છે. બેક્ટેરિયા સતત આપણી દવાઓ સામે બચવાના રસ્તા શોધે છે, તેથી જ આપણે હુમલો કરવા માટે આવા અણધારેલા અને નવા નબળા પોઇન્ટ્સ શોધવાની જરૂર છે.

બીજી તરફ, સંશોધનના સહ-લેખક ડૉ. રાજેશ કે. હડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે- હાલમાં 'DSA3' એ માત્ર એક પુરાવો (proof of concept) છે, તે હજી સીધી વાપરી શકાય તેવી દવા નથી. આગામી સમયમાં તેનું વધુ સઘન પરીક્ષણ કરવામાં આવશે, જેમાં પ્રાણીઓ પરના ટેસ્ટ અને માનવ શરીરમાં રહેલા ઉત્સેચકો પ્રત્યે તેની સુરક્ષિતતા ચકાસવાની પ્રક્રિયાઓ સામેલ રહેશે.

રાષ્ટ્રીય મિશનને મળશે મજબૂતી

આ સંશોધનને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ નવીન પ્રયોગ ભારતના એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પરના નેશનલ એક્શન પ્લાન 2.0 (NAP-AMR 2.0) અને નેશનલ 'વન હેલ્થ' મિશનને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું અને સફળ પગલું માનવામાં આવી રહ્યું છે.