Gandhinagar Rain News: ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારોઃ ગાંધીનગરના દંતાલીવાસમાંથી 69 અને હરસોલીમાંથી 23 લોકોનું સ્થળાંતર

ગાંધીનગર મહાનગરપાલિકાના જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના 69 લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 07 Sep 2025 03:58 PM (IST)Updated: Sun 07 Sep 2025 03:58 PM (IST)
heavy-rains-in-gandhinagar-92-people-evacuated-from-dantaliwas-and-harsoli-598989

Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને પગલે કલેક્ટર મેહુલ કે. દવેની સૂચના હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂના કોબાના દંતાલી વાસમાંથી 69 અને દહેગામના હરસોલી ગામમાંથી 23 સહિત કુલ 92 લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરિત લોકોને આરોગ્ય સેવાઓ અને ગરમ ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જ્યારે ફાયર, વન વિભાગ અને સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા સુરક્ષા, વૃક્ષો દૂર કરવા અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

દંતાલી વાસના 69 લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું

ગાંધીનગર કલેકટર મેહુલ કે.દવેના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ ગ્રાઉન્ડ લેવલ પર અવિરત કામગીરી કરી રહી છે, ત્યારે કલેક્ટર ગાંધીનગરની સુચના થકી પ્રાંત પાર્થ કોટડીયા સહિત અધિકારીઓ અને ફાયરની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી,વધુ વરસાદ અને નદીમાં વધતા જળસ્તરને કારણે,‌ અસરગ્રસ્ત થઈ શકે તેવા ગાંધીનગર મહાનગરપાલિકાના જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના 69 લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું છે.આ શેલ્ટર હોમ ખાતે આરોગ્ય સેવાઓ સાથે ગરમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હરસોલી ગામના 23 લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળાંતર

ઉપરવાસ માં ભારે વરસાદના કારણે મેશ્વો નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાઈ હોય દહેગામ તાલુકાના હરસોલી ગામે નદી કિનારે વસવાટ કરતાં કુલ -23 જેમાં 10 -મહિલા,9- પુરુષ તથા 4- બાળકોનો સમાવેશ થાય છે,તે તમામનું વહીવટીતંત્ર દ્વારા, સુરક્ષિત હરસોલી પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે. દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ખજુરી વાસ ખાતેથી સુરક્ષાના કારણોસર ખસેડવામાં આવેલા, ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરતા વહિવટી તંત્ર દ્વારા તેમના આરોગ્યની તપાસ કરી,જરૂર જણાય તે પ્રમાણે સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે જળાશયો સુધી પાણી જોવા ન જવા નાગરિકોને અનુરોધ

આજે રજાનો દિવસ હોવાથી નગરજનો પાણીનો પ્રવાહ જોવા વિવિધ બ્રિજ પર કે,નદી કાંઠે જઈ રહ્યા છે.ત્યારે સંત સરોવર ખાતે આવી રહેલા નાગરિકોને રોકવા ત્યાં હોમગાર્ડ ના જવાનો મૂકવામાં આવ્યા છે‌. ઉલ્લેખનીય છે કે,આ સાથે જ ફરીથી કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વધું પડતો વરસાદ અને જળાશયોમાં વધતા પાણીને કારણે,આપની અને આપના પરિવારની સુરક્ષાને ધ્યાને લેતા જોખમ ન ખેડવા વિનંતી કરી છે.અને આ સાથેજ આટલા વરસાદમાં પણ ખડે પગે સુરક્ષા માટે કાર્યરત જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જણાવ્યું છે.

સુરક્ષાત્મક પગલાં લેતી કાર્યવાહી અવિરત ચાલુ

ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શાહપુર બ્રિજ ખાતે પબ્લીકની વધારે પ્રમાણમાં અવરજવર હોવાથી દરેક બ્રિજ ઉપર હોમગાર્ડના જવાન મૂકવામાં આવ્યા છે‌.જેથી ચાલુ વરસાદને કારણે કોઈ પણ અઘટિત ઘટના ન બને. આ ઉપરાંત આજે સવારથી જ ફાયરના જવાનો દ્વારા નદી કાંઠાના વિસ્તારો પર PA સિસ્ટમ દ્વારા ગ્રામજનોને નદી કાંઠે ના જવા માટે વારંવાર ફાયર વિભાગના જવાનો દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વન વિભાગની સરાહનીય કામગીરી

ગાંધીનગર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર સ્થિત સરગાસણ અને તારાપુરની વચ્ચે એસ.જી હાઇવે વાળા મુખ્ય રોડ પર ઝાડ પડી ગયેલ હતું.તેને હટાવી માર્ગ સંપૂર્ણ પણે ખુલ્લો કરવાની કામગીરી વન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.તથા આ માર્ગ પર વાહન વ્યવહાર ફરી ચાલુ કરી દેવાયો છે. એ જ રીતે રોડ નંબર 7 , SP ઑફિસ પાસે પડી ગયેલ ઝાડ પણ વન વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર ગાંધીનગર મેહુલ કે. દવે સતત વહીવટી તંત્રનો કામગીરીનો જુસ્સો વધારતા, દરેકને ટેલિફોનિક સૂચના આપવા સાથે કેટલીક જગ્યાઓએ રૂબરૂ પણ પહોંચી રહ્યા છે.

જિલ્લાના દરેક નાગરિકોને વર્તમાનમાં પડી રહેલા ભારે વરસાદ ને પગલે હાલાકી ભોગવી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કલેકટર મેહુલ કે.દવેના નેતૃત્વમાં પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. ત્યારે કલોલ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ના રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.જે મુજબ કલોલ ઓવરબ્રિજ નીચે, માધુપુર રોડ પૂર્વ તરફ, વખારીયા ચોક, મામલતદાર કોર્ટ ની આગળ અને જેપી ગેટ પાસે કામગીરી હાથ ધરવામાં આવી છે‌.