Gandhinagar News: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) ખાતે ગણિતના પ્રોફેસર, પ્રોફેસર ઇન્દ્રનાથ સેનગુપ્તાને ઉચ્ચ શિક્ષણમાં તેમના સમર્પણ તથા યોગદાન અને તેમના વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 05 સપ્ટેમ્બર, 2023ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે નેશનલ ટીચર્સ એવોર્ડ્સ 2023 એનાયત કરશે.
વર્ગની અંદર અને બહાર મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ મળવા માટે સુલભ બનવાની તેમની મુખ્ય શિક્ષણ ફિલસૂફીમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા, પ્રોફેસર ઈન્દ્રનાથ સેનગુપ્તાએ તેમની બે દાયકાથી વધુ લાંબી અધ્યાપન યાત્રા દરમિયાન અસંખ્ય વિદ્યાર્થીઓને શીખવ્યું છે, તેમાંથી ઘણા હવે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ફેકલ્ટી સભ્યો છે. તેમણે શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોટા સમુદાય સુધી પહોંચવા માટે ઘણી આઉટરીચ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો છે અને તેનું આયોજન કર્યું છે. તેમના પોતાના શબ્દોમાં, “હું વિદ્યાર્થીઓને સારા પ્રશ્નો કેવી રીતે પૂછવા તે શીખવું છે”. તેઓ વિદ્યાર્થીઓની સાથે કલાકો વિતાવે છે, તેમના પ્રશ્નોના જવાબ આપે છે અને તેમના શૈક્ષણિક અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે.
અધ્યાપન માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરવા પર તેમના વિચારો શેર કરતા, પ્રોફેસર ઈન્દ્રનાથ સેનગુપ્તાએ કહ્યું, “હું ખૂબ વિનમ્રતાની લાગણી અનુભવું છું. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ફેકલ્ટી સભ્યો માટે આવો પ્રતિષ્ઠિત પુરસ્કાર વધુ શિક્ષકોને તેમના સંશોધન સાથે શિક્ષણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. દરેક શિક્ષક માટે સંશોધન અને શિક્ષણનું સંપૂર્ણ સંતુલન હોવું જોઈએ જેથી કરીને ભવિષ્યની પેઢીના એવા શિક્ષણવિદોનું નિર્માણ થાય જે સારી રીતે પ્રશિક્ષિત હોય.”
પ્રોફેસર ઈન્દ્રનાથ સેનગુપ્તાએ જાદવપુર યુનિવર્સિટીમાં ગણિતમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસ કર્યો અને IISc બેંગલુરુમાંથી PhD કર્યું. તેઓ 13 વર્ષ સુધી જાદવપુર યુનિવર્સિટીમાં ફેકલ્ટી હતા. તેમણે 2007માં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે યુ.એસ.એ.ની મિઝોરી કોલંબિયા યુનિવર્સિટીમાં પણ સેવા આપી છે અને 2008-2010 દરમિયાન રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RKMVERI), બેલુર મઠમાં ભણાવ્યું છે. પ્રોફેસર સેનગુપ્તા 2014માં IITGN માં જોડાયા હતા અને હાલમાં સંસ્થામાં ગણિત વિભાગના વડા છે.
પ્રોફેસર સેનગુપ્તાને સંશોધન પ્રવૃત્તિઓ માટે ભારત અને વિદેશમાંથી ઘણી ગ્રાંટ્સ અને ફેલોશિપ મળી છે, જેમાં 2003-04માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તરફથી BOYSCAST ફેલોશિપનો સમાવેશ થાય છે. તેમણે તેમના શિક્ષણ યોગદાન માટે પ્રતિષ્ઠિત ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી (INSA) શિક્ષક પુરસ્કાર 2022 પણ મેળવ્યો છે.
