Guru Nanak Jayanti 2026: આજે શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક ગુરુ નાનક દેવજીની 557મી જયંતિ એટલે કે ગુરુપૂરબ છે. આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના પોર ગામે આવેલા ગુરુદ્વારામાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ શિશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા અને સર્વાંગી વિકાસ માટે વિશેષ અરદાસ કરી હતી.
પોર ગુરુદ્વારામાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન
ગુરુ નાનક દેવજીની 557મી જયંતિના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના પોર ગામે આવેલા ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ભક્તિભાવપૂર્વક દર્શન કરી પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીએ પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝુકાવી રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી હતી. આ સાથે રાજ્યનો અવિરત અને સર્વાંગી વિકાસ થતો રહે તેવી વિશેષ અરદાસ પણ કરી હતી.

ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા પ્રેમથી સ્વાગત
આ પ્રસંગે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય સેવક ગુરુપ્રીતસિંહ ધિલ્લોન તથા પરમજીતકૌર છાબડા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમિતિના સભ્યોએ મુખ્યમંત્રીને પરંપરાગત ખેસ-સરોપા અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ પણ ભેટ કરવામાં આવી હતી.

લંગરમાં પ્રસાદ વિતરણ સેવાકાર્યમાં સહભાગી
દર્શન અને પૂજન-અર્ચન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુદ્વારા ખાતે આયોજિત લંગરમાં ભાગ લીધો હતો. તેમણે શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરીને સેવા-ભક્તિનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક શ્રદ્ધા સાથે સંપન્ન થયો હતો.

મેયર, ધારાસભ્યો, શીખ અગ્રણીઓ ઉપસ્થિત
આ ધાર્મિક પ્રસંગે ગાંધીનગરના મેયર રૂપસિંહજી ઠાકોર, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને શહેર સંગઠન પ્રમુખ આશિષ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને શીખ સમુદાયના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પણ ગુરુદ્વારામાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
