Vibrant Gujarat Summit: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવાના હેતુથી જાપાનના સફળ પ્રવાસ બાદ ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયા પહોંચ્યું છે. દક્ષિણ કોરિયાના પ્રમુખ ટેક્સટાઇલ હબ ગણાતા ‘દેગુ’ (Daegu) શહેર ખાતે આવેલી ‘કોરિયા ટેક્સટાઇલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ (KTDI)માં ‘ગુજરાત–કોરિયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કો-ઓપરેશન રાઉન્ડટેબલ’ બેઠક યોજાઈ હતી.
"ગુજરાતની ઓળખમાં ટેક્સટાઇલ વણાયેલું છે" – નાયબ મુખ્યમંત્રી
બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત કપાસના ખેતરોથી લઈને સ્પિનિંગ મિલ અને અમદાવાદના ડેનિમથી સુરતના સિન્થેટિક ફેબ્રિક્સ સુધી—‘ફાર્મ ટુ ફાઇબર, ફેક્ટરી ટુ ફેશન અને ફોરેન માર્કેટ્સ’ ની સમગ્ર વેલ્યુ ચેઇનને જોડે છે.
ભારતનું આશરે 33% (ત્રીજા ભાગનું) મેન-મેડ ફાઇબર અને 65% ડેનિમ ઉત્પાદન એકલું ગુજરાત કરે છે.
કોરિયા પાસે અદ્યતન ટેકનોલોજી અને એડવાન્સ્ડ ફાઇબર્સની કુશળતા છે, જ્યારે ગુજરાત પાસે વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
નવસારીના PM MITRA Park અંગે કોરિયન રોકાણકારોને આમંત્રણ
હર્ષ સંઘવીએ નવસારી ખાતે 1,142 એકરમાં બની રહેલા ‘પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક’ (PM MITRA Park) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અહીં સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ અને ગારમેન્ટિંગ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ બનશે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, હજીરા પોર્ટ અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની ઉત્તમોત્તમ કનેક્ટિવિટી કોરિયન ઉદ્યોગો માટે રોકાણનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
KTDIના R&D સેન્ટરની મુલાકાત અને પ્રેઝન્ટેશન
- બેઠક પહેલાં ડેલિગેશને KTDIના અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) અને ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.
- યંગવન કોર્પોરેશનના પ્રેસિડેન્ટ જે-યોંગ પાર્કે સ્વાગત કર્યું હતું.
- સિયોલ સ્થિત ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન શ્રી નિશિકાંત સિંઘે બે દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો રજૂ કર્યા.
- ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રીમતી મમતા વર્માએ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઇલ નીતિઓ પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
બેઠકમાં ઔદ્યોગિક જગતના અગ્રણીઓની હાજરી
આ બેઠકમાં ગુજરાત સરકાર તરફથી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, નાણા વિભાગના સંયુક્ત સચિવ અરવિંદ વી., સંયુક્ત ઉદ્યોગ કમિશનર કનક ડેર અને નાયબ મુખ્યમંત્રીના સચિવ આશિષ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ કોરિયા તરફથી Youngone Corporation, KTDI તેમજ મિકવાંગ (Mikwang), એસ (Ace), સામિલ (Samil), વૂયાંગ (Wooyang), ઇલસંગ (Ilsung) જેવી જાણીતી 8 ટેક્સટાઇલ મશીનરી કંપનીઓ તથા હેવોન ટ્રેડિંગ (Haewon Trading), બોહ્યુન ટેક્સટાઇલ (Bohyun Textile), ડોંગજિન (Dongjin) અને હ્યુન્ડાઇ કેમિકલ ફાઇબર (Hyundai Chemical Fiber) જેવી 4 અગ્રણી ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓના વડાઓ અને સીઈઓ સહિત કુલ 28 જેટલા ડેલિગેટ્સે ભાગ લીધો હતો.
