Kajal Maheriya Love Marriage Controversy: ગુજરાતમાં જાણીતી લોકગાયિકાઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ સર્જાતા સામાજિક વિવાદોનો સિલસિલો યથાવત રહ્યો છે. કિંજલ રબારીના લગ્ન વિવાદના હજુ એક મહિના બાદ હવે પ્રખ્યાત લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને મોટો હોબાળો મચ્યો છે. પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હોવાના આક્ષેપ સાથે કાજલનો પરિવાર અને મહેરિયા સમાજના અગ્રણીઓ રવિવારે ગાંધીનગરના શેરથા ગામે તેની સાસરીમાં પહોંચી જતાં મામલો બિચક્યો હતો.
કાજલના ભાઈની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદની શરૂઆત થઇ
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાજલ મહેરિયાના ભાઈ સંદિપભાઈ મહેરિયાએ સોશિયલ મીડિયા પર એક જાહેર પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં તેણે આક્ષેપ કર્યો હતો કે કાજલે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના આ પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવી, 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ મદદ કરવા અપીલ કરી હતી. ભાઈની આ ઈમોશનલ પોસ્ટ બાદ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
શેરથા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
રવિવારે કાજલના પરિવારજનો અને મહેરિયા સમાજના આશરે 70 જેટલા લોકો ગાડીઓના કાફલા સાથે ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યા હતા. અચાનક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કાજલના પતિ અલ્પેશ ઠાકોરે ગભરાઈને 112 (ઇમરજન્સી હેલ્પલાઇન) પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. પરિસ્થિતિ વણસે તે પહેલા અડાલજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભીડને કાબૂમાં લીધી હતી.
પોલીસ સ્ટેશનમાં થઈ પૂછપરછ
મામલો વધુ ગરમાતા પોલીસ બંને પક્ષોને અડાલજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં મહેરિયા સમાજના અગ્રણીઓએ કાજલને તેના લગ્ન વિશે સત્તાવાર પૃચ્છા કરી હતી. અડાલજ પી.આઇ. એસ. જી. દેસાઈએ જણાવ્યું હતું કે, "પરિવારની રજૂઆત માત્ર એટલી હતી કે કાજલે લગ્ન કર્યા છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવે. કાજલે સ્વીકાર્યું છે કે તેણે લગ્ન કર્યા છે અને તે આજે પોલીસ સમક્ષ પોતાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરશે." હાલમાં આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી અને બંને પક્ષો શાંતિપૂર્વક રવાના થયા છે.
કિંજલ રબારીના વિવાદની યાદ તાજી થઈ
હજુ એક મહિના પહેલા જ રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેના કારણે બે સમાજ વચ્ચે તણાવ પેદા થયો હતો. જોકે, પાછળથી સમાજના આગેવાનોની મધ્યસ્થીથી કિંજલ પોતાના ઘરે પરત ફરી હતી અને મામલો થાળે પડ્યો હતો. હવે કાજલ મહેરિયાના કિસ્સામાં પણ સમાજ અને પરિવારના વિરોધને જોતા આગામી દિવસોમાં આ વિવાદ કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું.
