Gandhinagar News: ગુજરાત સરકાર દ્વારા સુશાસન દિવસ નિમિત્તે રાજ્યને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને પર્યાવરણની જાળવણી માટે ત્રણ ક્રાંતિકારી નીતિઓની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025, પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP) પોલિસી-2025 અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી-2025 દ્વારા રાજ્યમાં લાખો કરોડના રોકાણ અને લાખો નવી 'ગ્રીન જોબ્સ' સર્જાવાની સંભાવના છે.
પમ્પ્ડ સ્ટોરેજ: ડેમના પાણીથી રાત્રે પેદા થશે વીજળી
નવી પમ્પ્ડ સ્ટોરેજ પોલિસી હેઠળ એક અનોખી ટેકનોલોજીનો અમલ કરાશે. જેમાં રાત્રિ દરમિયાન ડેમમાંથી પાણી છોડીને વીજળી પેદા કરાશે. આ જ પાણી જે નીચલા સરોવરમાં એકઠું થશે, તેને દિવસે સોલર એનર્જીની મદદથી પંપ દ્વારા ફરી ઉપલા સરોવરમાં ચડાવવામાં આવશે. આ ચક્ર દ્વારા રાત્રે જ્યારે વીજળીની માંગ વધુ હોય ત્યારે અવિરત પુરવઠો મળી રહેશે. સરકારનું લક્ષ્ય 2035 સુધીમાં 75 GWh સ્ટોરેજ કેપેસિટી અને 2047 સુધીમાં 100 PSP યુનિટ્સ સ્થાપવાનું છે.
મુખ્ય લક્ષ્યાંકો અને રોકાણ
- રિન્યુએબલ એનર્જી: વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ ઉર્જા નિર્માણનું લક્ષ્ય.
- ગ્રીન હાઇડ્રોજન: વર્ષ 2035 સુધીમાં વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદનનું લક્ષ્ય. આનાથી 20 લાખ ટન નેચરલ ગેસનો વપરાશ અને 50 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે.
- રોકાણ: ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ સેક્ટરમાં અંદાજે ₹5 લાખ કરોડના રોકાણની અપેક્ષા છે.
રોકાણકારો માટે વિશેષ છૂટછાટ
સરકારે આ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહક પગલાં જાહેર કર્યા છે:
- 1). ઇનપુટ એનર્જી પર ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી મુક્તિ.
- 2). પ્રોજેક્ટ માટે 20% સુધીની મૂડી સહાય (Capital Subsidy).
- 3). વ્હીલિંગ અને ટ્રાન્સમિશન ચાર્જિસ પર 50% સુધીનું વળતર.
- 4). જમીન ફાળવણી માટે મહેસૂલ વિભાગ દ્વારા અલગ સરળ નીતિ અને ‘ડીમ્ડ નોન-એગ્રીકલ્ચર’ જમીનની સુવિધા.
રોજગારીની તકો
રાજ્ય સરકારના દાવા મુજબ, આ નવી નીતિઓના પરિણામે રાજ્યમાં અંદાજે 6 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ ‘ગ્રીન જોબ્સ’ (રોજગારી) નિર્માણ થશે. આ નીતિ 10 વર્ષ સુધી અમલમાં રહેશે, પરંતુ તેનો લાભ રાજ્યને આગામી 40 વર્ષ સુધી મળતો રહેશે. આ જાહેરાત સાથે ગુજરાત હવે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડીને ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા સજ્જ થયું છે.
