Gujarat ST Employee DA Hike: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ એસ.ટી. કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત એસ.ટી. નિગમના (Gujarat ST Corporation) કર્મચારીઓને આર્થિક રાહત મળશે. પગાર સાથે મળતા ભથ્થામાં વધારો થવાથી કર્મચારીની માસિક આવકમાં વધારો થશે, જ્યારે એરિયર્સની ચૂકવણીથી વધારાનો નાણાકીય લાભ પણ પ્રાપ્ત થશે. પરંતુ સરકારી કર્મચારીઓ એ જાણવા માંગે છે કે, મોંઘવારી ભથ્થું (DA) એટલે શું, તેની ગણતરી કેવી રીતે થાય છે, અને નવા વધારાથી કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે?
મોંઘવારી ભથ્થું (Dearness Allowance) એટલે શું?
વધતી મોંઘવારી વચ્ચે જીવનધોરણ જાળવી રાખવા માટે સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. દેશના મોંઘવારી દરના આધારે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. આ ભથ્થું સંબંધિત પગારધોરણ મુજબ કર્મચારીઓના મૂળ પગારના આધારે ગણવામાં આવે છે. તદુપરાંત, શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ પણ હોઈ શકે છે.
ST કર્મચારીના મોંઘવારી ભથ્થાની ગણતરીની પદ્ધતિ
GSRTC કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ કરવામાં આવે છે. સામાન્ય રીતે સાતમા પગાર પંચ (7th Pay Commission) હેઠળ એક ચોક્કસ ફોર્મ્યુલા અને સરકારી મંજૂરીના આધારે તેની ગણતરી નીચે મુજબના મુદ્દાઓ પર થાય છે:
DA ગણતરીનું મૂળ સૂત્ર (Formula)
સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થાની ટકાવારી નક્કી કરવા માટે AICPI (All India Consumer Price Index - ઔદ્યોગિક શ્રમિકો માટેનો ગ્રાહક ભાવ સૂચકાંક) ના 12 મહિનાના સરેરાશ આંકડાનો ઉપયોગ થાય છે. આ સૂત્રથી મળતા જવાબને પૂર્ણાંકમાં ગણતરીમાં લેવામાં આવે છે.
DA% = (છેલ્લા 12 મહિનાની AICPI ની સરેરાશ) - 261.42 X100 261.42
મૂળ પગાર પર DA ગણતરીની રીત
સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની ટકાવારી જાહેર કર્યા બાદ, કર્મચારીના વ્યક્તિગત પગાર પર તેની ગણતરી નીચે મુજબના સૂત્રથી થાય છે:
હવે DA ગણતરી એક ઉદાહરણથી સમજો
જો કોઈ એસ.ટી. કર્મચારીનો મૂળ પગાર (Basic Pay) ₹25,000 હોય અને વર્તમાન મોંઘવારી ભથ્થું 58% હોય, જેમાં 2% વધારો કરવામાં આવે તો:
વર્તમાન મૂળ પગારમાં ₹14,500 મોંઘવારી ભથ્થું હશે, જેમાં 2% વધારો કર્યા બાદ મોંઘવારી ભથ્થું વધીને ₹15,000 થશે. આમ તમારા પગારમાં ₹500 વધારો થશે.
ધ્યાનમાં રાખવા જેવા મહત્વના નિયમો અને પાત્રતા
ફક્ત મૂળ પગાર પર ગણતરી: મોંઘવારી ભથ્થું હંમેશા કર્મચારીના મૂળ પગાર (Basic Pay) પર જ ગણાય છે. તેમાં ઘરભથ્થું (HRA) કે અન્ય કોઈ ભથ્થાં ઉમેરવામાં આવતાં નથી.
સરકારી મંજૂરી અને એરિયર્સ (Arrears): સામાન્ય રીતે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર DA માં વધારો કરે છે, જેના આધારે ત્યારબાદ ગુજરાત સરકાર પોતાના કર્મચારીઓ માટે તેની જાહેરાત કરે છે. ગુજરાત ST નિગમની બોર્ડ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ જ આ વધારો કર્મચારીઓને ચૂકવાય છે. મંજૂરીમાં વિલંબ થવાના કિસ્સામાં વચગાળાના મહિનાઓનું તફાવતની રકમ (Linked Arrears) રોકડમાં અથવા મર્યાદિત હપ્તામાં ચૂકવવામાં આવે છે.
ફિક્સ પે કર્મચારીઓ માટે નિયમો: એસ.ટી. નિગમમાં શરૂઆતમાં ફિક્સ પગાર (Fixed Salary) પર જોડાતા કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો નથી. મોંઘવારી ભથ્થાનો લાભ માત્ર નિયમિત (Regular) સ્કેલ મેળવતા કર્મચારીઓને જ પ્રાપ્ત થાય છે.
