Gandhinagar News: ગુજરાત ભાડા વિધેયક 2026ને લઇને રાજ્યભરમાં વકીલો દ્વારા હડતાળ કરવામાં આવી છે. વકીલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. જેમાં વકીલ મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.
ગુજરાત સરકારે ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ ની વિવિધ જોગવાઈઓ અંગે લીગલ ફ્રેટર્નિટી (વકીલ આલમ) દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ અને રજૂઆતો પ્રત્યે સકારાત્મક તથા પરામર્શપૂર્ણ અભિગમ અપનાવ્યો છે.આ સંદર્ભમાં, આવતીકાલે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાશે.
આ પણ વાંચો
ભાડા વિધેયક 2026માં રેન્ટ એગ્રીમેન્ટ અંગે જે નિયમ છે તેને લઇને રાજ્યભરમાં વકીલો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ આજે 5 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે. જેને લઇને સરકારના પ્રતિનિધિઓ દ્વારામકાનમાલિકો અને ભાડૂતો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે પ્રસ્તાવિત તંત્ર અને તેની સંભવિત કાનૂની તથા વ્યાવહારિક અસરો સહિત વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી ચિંતાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકારે પ્રતિનિધિઓને ખાતરી આપી છે કે યોગ્ય અને હકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી રજૂ કરાયેલા મુદ્દાઓ પર યોગ્ય અને ધ્યાનપૂર્વક વિચારણા કરવામાં આવશે.
કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટે વધુમાં માહિતી આપી હતી કે મંગળવાર, 6 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન સહિત સંબંધિત બાર એસોસિએશનના પ્રતિનિધિઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં બાર એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર વિગતવાર વિચારણા કરવામાં આવશે અને લીગલ ફ્રેટર્નિટીના હિતમાં સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર તમામ સંબંધિત હિતધારકો સાથે રચનાત્મક રીતે જોડાવા અને કાનૂની ક્ષેત્રની રજૂઆતો પર યોગ્ય વિચારણા કર્યા પછી જ યોગ્ય નિર્ણય લેવા માટે પ્રતિબદ્ધ છે.
