ગુજરાત રેન્ટ બિલ 2026 પર મોટું અપડેટ: એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં કહ્યું, રાજ્યપાલ સહી નહીં કરે, જૂનો કાયદો પરત લાવવા પ્રયાસો કરાશે

એડવોકેટ જનરલ ત્રિવેદીએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, હડતાળ ચાલુ ન રહે તે માટે બારને બિલ અંગેની ખાતરી આપવામાં આવી હતી. આથી, તમામ વકીલોએ જોવું જોઈએ કે કોઈ કામ અટકે નહીં.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Oct 2026 04:33 PM (IST)Updated: Mon, 05 Oct 2026 04:33 PM (IST)
gujarat-rent-bill-2026-bill-wont-be-signed-by-governor-ag-tells-gujarat-high-court

Gujarat Rent Bill 2026 Latest Update: રાજ્યભરમાં ગુજરાત ભાડા વિધેયક 2026 સામે વકીલોની ચાલતી હડતાળ વચ્ચે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત ભાડા વિધેયક 2026 રાજ્યપાલ દ્વારા સહી કરીને કાયદો બનશે નહીં અને સરકાર જૂના કાયદાને જ ફરીથી અમલમાં લાવવાનો પ્રયાસ કરશે તેવી ખાતરી રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોમવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આપી હતી. ભાડૂત વિવાદોના નિરાકરણની સત્તા કોર્ટને બદલે મહેસૂલી અધિકારીઓને આપવા સંબંધિત આ બિલનો વકીલો સખત વિરોધ કરી રહ્યા હતા.

એડવોકેટ જનરલ ત્રિવેદીએ જસ્ટિસ મૌલિક જે. શેલટની બેન્ચ સમક્ષ આ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટને માહિતી આપતા જણાવ્યું કે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ના સભ્યો સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે વકીલોને ભાડૂત બિલ અંગે સ્પષ્ટ ખાતરી આપી છે.અમે ખાતરી આપી છે કે આ બિલ પર રાજ્યપાલ સહી કરશે નહીં. આ બિલ કાયદો બનશે નહીં... અમે જૂના કાયદાને જ ફરીથી અમલમાં લાવવાનો પ્રયાસ કરીશું.

નોંધનીય છે કે, રાજ્યભરના વકીલો ભાડૂત બિલ 2026ની જોગવાઈઓના વિરોધમાં બે દિવસીય કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા છે. આ બિલ ભાડૂત સંબંધિત વિવાદોના ન્યાયનિર્ણયની સત્તા કોર્ટમાંથી મહેસૂલી અધિકારીઓને સોંપવાની જોગવાઈ ધરાવે છે, જેનો વકીલો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની સિટી સિવિલ અને સ્મોલ કોઝ કોર્ટના વકીલો ગત અઠવાડિયાથી જ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા. બાદમાં, BCGએ આ વિરોધને સમર્થન આપ્યું અને 5 ઓક્ટોબરથી વકીલોને કોર્ટ, ટ્રિબ્યુનલ, ન્યાયિક અને અર્ધ-ન્યાયિક સત્તાધિકારીઓ તેમજ મહેસૂલી મંચો સમક્ષની કાર્યવાહીથી દૂર રહેવાનો ઠરાવ કર્યો હતો, જ્યાં સુધી આ મુદ્દાનો સંતોષકારક ઉકેલ ન આવે.

એડવોકેટ જનરલ ત્રિવેદીએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, હડતાળ ચાલુ ન રહે તે માટે બારને બિલ અંગેની ખાતરી આપવામાં આવી હતી. આથી, તમામ વકીલોએ જોવું જોઈએ કે કોઈ કામ અટકે નહીં. આ વાત રાજ્યભરના વકીલોને પહોંચાડવામાં આવી હતી. એડવોકેટ જનરલે એમ પણ કહ્યું કે તેમણે સોમવારે સવારે બાર એસોસિએશનના પ્રમુખ સાથે અંગત રીતે વાત કરી હતી અને તેમને હડતાળ પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી. જોકે, આટલી સ્પષ્ટ ખાતરીઓ છતાં વકીલોની હડતાળ હજુ પાછી ખેંચાઈ નથી. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) એ સોમવારે ભાડૂત બિલની જોગવાઈઓનો વિરોધ કરી રહેલા વકીલોના સમર્થનમાં 5 અને 6 ઓક્ટોબરના રોજ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

જસ્ટિસ શેલાતે અવલોકન કર્યું હતું કે રાતોરાત કોઈક પ્રગતિ થઈ હોય તેવું જણાય છે અને આ બદલાયેલી સ્થિતિ વિશે વકીલોને જાણ કરવામાં આવી હશે. એડવોકેટ જનરલ ત્રિવેદીએ જવાબમાં કહ્યું કે તેમણે સરકારનું વલણ વકીલો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની નોંધ લેતા જસ્ટિસ શેલટે પ્રતિભાવ આપ્યો કે બારની ભાવનાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દરેકની ભાવનાઓનો આ રીતે આદર થવો જોઈએ, કારણ કે આજકાલ બારનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ છે.