Rajya Sabha Election 2026, Candidate Selection: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે આગામી 18 જૂનના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે, ત્યારે ભાજપ 6 કે 7 જૂન સુધીમાં પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી શકે છે. હાલ ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂન, 2026 એ પૂર્ણ થઈ રહ્યો છે.
ભાજપ હાઈકમાન્ડ 'સરપ્રાઈઝ' આપી શકે
આ પણ વાંચો
રાજ્યસભાની ખાલી 4 બેઠકો માટેની આગામી ચૂંટણીમાં ભાજપ 'નો-રિપીટેશન થિયરી' અપનાવે તેવી પૂરી શક્યતા છે. આ થિયરી મુજબ, જે સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમને ફરીથી તક મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ભાજપ ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિગત અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કરી શકે છે.
આ ઉપરાંત, રાજ્યસભામાં ખાલી પડેલી ગુજરાતની ચાર બેઠકો પૈકી એક બેઠક પર મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવા માટે મહિલા ઉમેદવારને તક અપાય તે લગભગ નક્કી છે. જોકે, ભાજપ હાઈકમાન્ડ હંમેશાની જેમ આ વખતે પણ કોઈ 'સરપ્રાઈઝ' આપે તેવી પૂરી સંભાવના છે.
કયા નેતાઓના નામો છે દાવેદારોની રેસમાં?
રાજ્યસભામાં ગુજરાતની આ ચાર બેઠકો માટે પ્રદેશ ભાજપ દ્વારા અંદાજે 12 જેટલા નામોની પેનલ દિલ્હી મોકલવામાં આવી શકે છે. જે બાદ દિલ્હી હાઈ કમાન્ડથી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થશે. ઉમેદવાર તરીકે ચર્ચાતા નામમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
ગત રવિવારે દિલ્હી ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની હાજરીમાં રાજ્યસભાના ઉમેદવારો નક્કી કરવા બેઠક મળી, જેમાં પ્રાથમિક ચર્ચા થઈ હતી.
- જો સૌરાષ્ટ્રમાંથી પસંદગી થાય તો પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીનું નામ ફ્રન્ટ રનર મનાય છે.
- પક્ષના એક જૂથનું માનવું છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ રાજ્યસભાની ટિકિટ મળી શકે છે.
- આ ઉપરાંત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, અને પ્રદિપસિંહ જાડેજાના નામો પણ ચર્ચામાં છે.
- મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવા અને રઘુભાઈ હુંબલનું નામ પણ રેસમાં છે.
- જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડિયા અને એક ધર્મગુરુના નામ પર પણ મહોર લાગી શકે તેવી અંદરખાતે ચર્ચા ચાલી રહી છે.
અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકર અને આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને ગુજરાતથી રાજ્યસભામાં મોકલાયા હોવાથી, હવે ચાર પૈકી ત્રણ ઉમેદવાર ગુજરાતના જ હશે. આ ઉપરાંત કદાચ એક મોટા નેતા દિલ્હીથી પસંદ કરવામાં આવે તેવું પણ બની શકે છે.
આ પણ વાંચો: IPS Rajiv Ranjan Bhagat: ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગતને SPGના ADG તરીકે નિમણૂંક અપાઈ
ભાજપની જીત નિશ્ચિત, કોંગ્રેસના સૂપડા સાફ
હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 162 ધારાસભ્યોનું ઐતિહાસિક સંખ્યાબળ છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે આંકડાકીય ગણિત મુજબ 37 ધારાસભ્યોના મતોની જરૂર પડે છે. બીજી બાજુ, કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો બચ્યા છે, જેથી સભ્ય સંખ્યાબળના અભાવે કોંગ્રેસ ઉમેદવાર મેદાનમાં ઉતારવાના મૂડમાં નથી.
આ સ્થિતિમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા બની શકે છે. નોંધનીય છે કે, આ ચૂંટણી બાદ આઝાદી પછી પહેલીવાર એવું બનશે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ પ્રતિનિધિત્વ નહીં કરતો હોય.
