ભાવનગરથી દિલ્હી સીધી ટ્રેન સેવા શરૂ કરવા માગ, રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગરથી દિલ્હી માટેની એક પણ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. ભાવનગરનું એરપોર્ટ પણ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને કોઈ પણ વિમાન સેવા કાર્યરત નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 11 Mar 2026 11:28 AM (IST)Updated: Wed, 11 Mar 2026 11:28 AM (IST)
demand-for-direct-train-between-bhavnagar-and-delhi-raised-by-shaktisinh-gohil-in-rajya-sabha

Ahmedabad News: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં ભાવનગર અને દેશની રાજધાની દિલ્હી વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ભાવનગર જેવા મહત્વપૂર્ણ શહેર માટે સીધી રેલ કનેક્ટિવિટીનો અભાવ પ્રવાસીઓ, વેપારીઓ અને અન્ય મુસાફરો માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગર વેસ્ટર્ન રેલ્વેનું ડિવિઝન છે અને ગુજરાતના સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર પણ છે. એશિયાનું સૌથી મોટું શીપબ્રેકીંગ યાર્ડ અને જૈન ધર્મના અનુયાયીઓનું અત્યંત પવિત્ર શાશ્વત તીર્થધામ પાલીતાણા એ ભાવનગર જીલ્લામાં આવેલું છે. ભાવનગરથી દિલ્હી માટેની એક પણ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. ભાવનગરનું એરપોર્ટ પણ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને કોઈ પણ વિમાન સેવા કાર્યરત નથી. જેથી ભાવનગરથી દિલ્હી જવા માંગતા યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગરથી અયોધ્યા અને અયોધ્યાથી ભાવનગર ટ્રેન નંબર 19201 અને 19202 સાપ્તાહિક એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનની પૂરી રેક અઠવાડિયાના ચાર દિવસ કોઈ પણ કામ વગર સંપૂર્ણપણે ભાવનગરમાં પડી રહે છે, આ રેકને ભાવનગરથી દિલ્હી માટે સપ્તાહમાં એક દિવસ માટે સરળતાથી ચલાવી શકાય તેમ છે. આ સુવિધા ચાલુ કરવા માટે કોઈ વધારાની ટ્રેન રેકની જરૂરત છે કે ના કોઈ બીજી સુવિધાની. આથી ભાવનગરથી દિલ્હી માટેની સીધી ટ્રેનની સુવિધા તાત્કાલિક શરુ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી.