ગુજરાતની 17,000 ખાનગી શાળાના સંચાલકો લડી લેવાના મૂડમાં, 4 મુખ્ય માંગણીનું નિરાકરણ નહીં આવે તો શાળા બંધની ચીમકી

ગુજરાત સ્વનિર્ભર શાળા મહામંડળ દ્વારા ગાંધીનગરમાં ધરણાંનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 22 Sep 2026 08:38 AM (IST)Updated: Tue, 22 Sep 2026 08:38 AM (IST)
gujarat-private-school-strike-indefinite-closure-warning-gandhinagar-frc-rte-demand
ગુજરાત સ્વનિર્ભર શાળા મહામંડળ દ્વારા આવેદનપત્ર

Gujarat Private Schools Protest: ગુજરાત સ્વનિર્ભર (ખાનગી) શાળા મહામંડળ દ્વારા પ્રાઈવેટ સ્કૂલો અને તેના સંચાલકોના પડતર પ્રશ્નો અંગે સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ આખરી રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, જો તેમની 4 મુખ્ય માંગણીનું સ્થાયી નિરાકરણ નહીં આવે, તો ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરવા અને રાજ્યની ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અચોક્કસ મુદત માટે બંધ રાખવા સ્વનિર્ભર શાળા મહામંડળે ચીમકી આપી છે.

સ્વનિર્ભર શાળા મહામંડળના પ્રમુખ પી.કે. મોરડિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મુદ્દાઓ અંગે અગાઉ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. જો સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યની 17,000 થી વધુ ખાનગી શાળાઓ અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવશે.

7 લાખથી વધુ શિક્ષકો-કર્મચારીઓ પર અસર

રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં ખાનગી શાળાઓનો ફાળો 60 ટકાથી પણ વધુ છે. હાલ રાજ્યની ખાનગી સ્કૂલોમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 7 લાખથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. શાળાઓ બંધ થવાના એલાનથી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પર તેની સીધી અસર પડી શકે છે.

સ્વનિર્ભર શાળા મહામંડળની 4 મુખ્ય માંગણી

FRC (ફી રેગ્યુલેટરી કમિટી) પ્રક્રિયા: દર 3 વર્ષે થતી FRC પ્રક્રિયામાં જે શાળામંજૂરથયેલીફીમાં દર વર્ષે 10 ટકા કે તેથી ઓછો વધારો કરતી હોય, તેમને પ્રોપોઝલ કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે. આ સુધારાથી રાજ્યની 90 ટકા શાળા FRC ની જટિલ પ્રક્રિયામાંથી મુક્ત થશે અને કચેરીનું ભારણ ઘટશે.

RTE વિદ્યાર્થીઓની ફી ચુકવણી: હાઈકોર્ટના ચુકાદા અને માર્ગદર્શન મુજબ, સરકાર દ્વારા જે-તે શાળાની FRC મંજૂર થયેલી ફી અથવા સરકારી શાળાના વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ એમ બે પૈકી યોગ્ય રકમ ચૂકવવામાં આવે. વર્ષ 2017 ના અમલીકરણ મુજબ મળતા રૂ. 10,000 ને બદલે હાઈકોર્ટના આદેશ મુજબ નિયમ અનુસાર ચૂકવણું કરવાની અપીલ કરવામાં આવી છે.

સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ રદ્દ: 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક 2026' માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા માટે મંજૂરી લેવાની જોગવાઈ રખાઈ છે. શાળાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે મદદ લેતી ન હોવાથી કર્મચારીઓની ભરતી કે મુક્તિની સંપૂર્ણ સત્તા શાળાઓ પાસે જ રહેવી જોઈએ.

દૈનિક વહીવટી ડિસ્ટર્બન્સમાંથી મુક્તિ: સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ માટે એકસરખાપરિપત્ર બહાર પાડવાને બદલે સ્વનિર્ભર શાળાઓ માટે અલગ પરિપત્ર કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત વારંવાર એકની એક માહિતી મંગાવવાને બદલે એક "કોમન પોર્ટલ" બનાવવામાં આવે જેથી તંત્ર ત્યાંથી સીધી માહિતી મેળવી શકે.