DGP જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ: પોલીસ અધિકારીઓ રોજ 2 કલાક પ્રજાને સાંભળશે

કમિશનરથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારીએ નાગરિકોને સમય આપવો પડશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 12 Jun 2026 09:04 AM (IST)Updated: Fri, 12 Jun 2026 09:04 AM (IST)
gujarat-police-dgp-gs-malik-ordered-police-officers-to-meet-citizens-for-2-hours-daily

DGP GS Malik New Order: ગુજરાતના પોલીસ વડા (DGP) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ જી.એસ. મલિકે રાજ્યના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરે જ ન્યાય મળી રહે અને તેમના પ્રશ્નોનો નિકાલ થાય તે માટે નવા આદેશ અનુસાર, પોલીસ કમિશનરથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારીઓએ નાગરિકોને મળવા માટેનો સમય આપવો પડશે.

અધિકારીઓ માટે મુલાકાતનો સમય નિશ્ચિત કરાયો

નવા આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અરજદારોને નાના-મોટા પ્રશ્નો માટે છેક ગાંધીનગર DGP કચેરી કે સચિવાલય સુધી ધક્કા ન ખાવા પડે. નવી વ્યવસ્થા હેઠળ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ સ્થાનિક સ્તરે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ફરજિયાત દરરોજ બે કલાક ફાળવવા પડશે.

  • ઉચ્ચ અધિકારીઓનો સમય: પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ કે મદદનીશ પોલીસ કમિશનર, રેન્જ વડા તેમજ જિલ્લા પોલીસ વડા (SP) એ દરરોજ બપોરે 12:00 થી 2:00 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓને સાંભળવાના રહેશે.
  • પોલીસ ઇન્સ્પેક્ટરનો (PI) સમય: થાણા અમલદારો સામાન્ય રીતે સવારના સમયે કોર્ટની મુદત કે તપાસમાં વ્યસ્ત રહેતા હોવાથી, તેઓએ દરરોજ સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને નાગરિકોને રૂબરૂ મળવાનું રહેશે.

જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન રહી શકે, તો તેમની જગ્યાએ કચેરીના સિનિયર અધિકારી અથવા તો તેમના રીડર દ્વારા અરજદારોની રજૂઆત સાંભળવાની રહેશે, જેથી કોઈ પણ નાગરિકને પરત ન ફરવું પડે.

અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા

DGP જી.એસ. મલિકે અરજીઓના નિકાલ માટે પણ કડક સમયમર્યાદા નક્કી કરી છે. સામાન્ય પ્રકારની તમામ અરજીઓનો નિકાલ વધુમાં વધુ 15 દિવસમાં કરવાનો રહેશે. જ્યારે આર્થિક ગુનાઓ, વૈવાહિક કે પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચારને લગતી જટિલ અરજીઓનો નિકાલ 6 અઠવાડિયામાં અચૂક કરવાનો રહેશે.

દરેક કચેરીમાં અરજી રજીસ્ટર રાખવું પડશે

પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ સંજ્ઞેય (Cognizable) ગુનો બન્યો હોવાનું જણાય, તો તાત્કાલિક અસરથી FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાના પણ આદેશ અપાયા છે. વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે રજૂઆત કરવા આવતા દરેક અરજદારોની વિગતો રાખવા માટે દરેક કચેરીમાં નિયત રજિસ્ટર રાખવાની પણ કડક સૂચના આપવામાં આવી છે. 

જવાબદાર અધિકારીઓ પર નજર કોણ રાખશે?

અગાઉ જી.એસ. મલિક જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે પણ તેમણે આ સિસ્ટમ લાગુ કરી હતી જે આજે પણ ચાલુ છે. નવા આદેશનું પાલન થાય છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે કંટ્રોલ રૂમમાંથી દિવસમાં 3 વખત ફોન કરીને PI નું લોકેશન પણ ચકાસવામાં આવશે. તમામ અરજીઓની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય તે બાબત પર ખાસ ભાર મૂક્યો છે.