ગુજરાતના 13 બિન-હથિયારી PSIને મળ્યું PI તરીકે પ્રમોશન; જાણો કોની બદલી કઈ જગ્યાએ થઈ

બઢતી પામેલા રાજ્યના 13 PSI ની વિવિધ જિલ્લા અને વિભાગમાં બદલી પણ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 04 Sep 2026 09:52 AM (IST)Updated: Fri, 04 Sep 2026 09:52 AM (IST)
gujarat-police-13-unarmed-psi-promotion-to-pi-post-list-dgp-gs-malik-order
File Image

Gujarat Police Promotion: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદ્રઢ બનાવવા તથા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. DGP જી.એસ. મલિક દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર હુકમ જારી કરીને 13 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ (PSI) ને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી આપવામાં આવી છે.

બઢતી મેળવનાર 13 પોલીસ અધિકારીઓ કોણ?

રાજ્યના 13 બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સ (PSI) ને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતીની સાથે જ તમામ અધિકારીઓની રાજ્યના વિવિધ જિલ્લા અને વિભાગ ખાતે હંગામી ધોરણે બદલી પણ કરવામાં આવી છે.

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ બઢતી મેળવનાર બિન-હથિયારી PSIના નામ અને નવી નિમણૂંકના સ્થળો:

અધિકારીનું નામ હાલનું ફરજનું સ્થળ નવી નિમણૂંકનું સ્થળ
જનકસિંહ આર. રાણા રાજકોટ શહેર કચ્છ પૂર્વ-ગાંધીધામ
પ્રવિણસિંહ એન. પઢિયાર સુરત શહેર રાજકોટ શહેર
હનિફભાઈ ડી. હિંગરોજા જામનગર જૂનાગઢ (PI તરીકે)
સુરેશકુમાર એન. બારીયા છોટાઉદેપુર અમદાવાદ શહેર
દીલાવરસિંહ પી. સોલંકી અમદાવાદ શહેર પંચમહાલ
અશોકભાઈ બી. ગીડા ઇન્ટેલીજન્સ ઇન્ટેલીજન્સ (PI તરીકે)
મુળરાજસિંહ એસ. રાણા બનાસકાંઠા વાવ-થરાદ
રમેશભાઈ કે. વાણીયા સ્ટેટ કંટ્રોલ રૂમ (ડીજીપી કચેરી) એસ.સી.આર.બી. (SCRB)
હિંમતકુમાર એન. આજરા ખેડા અમદાવાદ શહેર
સુરેશભાઈ બી. સોલંકી બોટાદ દાહોદ
અરવિંદસિંહ બી. જાડેજા રાજકોટ ગ્રામ્ય કચ્છ પશ્ચિમ-ભુજ
સાગરદાન કે. ગઢવી એસ.સી.આર.બી. (SCRB) વડોદરા શહેર
મુજીબ જે. ઘાંઘલ રાજકોટ શહેર સુરેન્દ્રનગર (PI તરીકે)

પગાર ધોરણમાં પણ થશે મોટો ફાયદો

સત્તાવાર હુકમ અનુસાર, બઢતી મેળવનારા બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સ (Class-3) જેઓ અત્યાર સુધી પગાર ધોરણ Level-7 (રૂ. 39,900-1,26,600) માં ફરજ બજાવતા હતા, તેઓને હવે પોલીસ ઈન્સ્પેક્ટર (Class-2) તરીકે પગાર ધોરણ Level-8 (રૂ. 44,900-1,42,400) નો સંભવિત લાભ મળશે.

બઢતી માટે સરકારની શરતો અને નિયમો

આ બઢતીનો ઓર્ડર મેળવનારા અધિકારીઓ માટે કેટલીક કડક શરતો જાહેર કરવામાં આવી છે, જેનું પાલન કરવું અનિવાર્ય રહેશે. જે અનુસાર બઢતી પામનાર કોઈ પણ PSI સામે કોઈ પણ પ્રકારની ખાતાકીય તપાસ, શો-કોઝ નોટિસ, ચાર્જશીટ કે કોર્ટ કેસ પડતર હોવો જોઈએ નહીં. જો ભૂતકાળમાં કોઈ શિક્ષાત્મક પગલા લેવાયેલા હશે, તો તેવા કિસ્સામાં બઢતીનો હુકમ અમલમાં મૂકવામાં આવશે નહીં અને તેને રદ કરવા દરખાસ્ત કરાશે.

વધુમાં, બઢતી મેળવનાર તમામ અધિકારીઓ પાસે નિર્ધારિત તારીખોએ માન્ય LMV (લાઈટ મોટર વ્હીકલ) ડ્રાઈવિંગ લાયસન્સ અને સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલ CCC+ પરીક્ષાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. જો કોઈ પણ તબક્કે આ પ્રમાણપત્ર ખોટું અથવા અમાન્ય જણાશે, તો તેમને મૂળ હોદ્દા પર પરત (Demote) કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.

જો કોઈ અધિકારી બઢતીવાળી નવી જગ્યાએ હાજર થવા અંગે કોઈ આનાકાની કે વિલંબ કરશે, તો તેમની સામે શિસ્તભંગના યોગ્ય પગલાં ભરી તેમની સેવાપોથીમાં અને ખાનગી અહેવાલમાં તેની ગંભીર નોંધ લેવામાં આવશે. ભવિષ્યમાં વહીવટી જરૂરિયાત ઉભી થતાં અથવા સીધી ભરતીના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપલબ્ધ થતાં, આ બઢતી પામેલા અધિકારીઓ પૈકી જેઓ સેવા ક્રમમાં સૌથી છેલ્લે હશે, તેમને સુસ્થાપિત કાનૂનના આધારે મૂળ હોદ્દા એટલે કે PSI સંવર્ગમાં પરત મોકલવાની શરતે આ બઢતી આપવામાં આવી છે.