Marriage Registration Rules: રાજ્યમાં ભાગીને લગ્ન કરવા પર લાગશે લગામ, લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર, સંપૂર્ણ વિગત જાણો ચાર સ્ટેપમાં

લગ્ન નોંધણીના નિયમોની જાહેરાત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અંગે વાંધા સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 20 Feb 2026 11:25 AM (IST)Updated: Fri, 20 Feb 2026 11:34 AM (IST)
gujarat-marriage-registration-law-update-stricter-rules-for-elopement-marriages

Gujarat Marriage Registration Rules: રાજ્યમાં ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓમાં વધારો થતાં અનેક સમાજો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વાર લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા એક "સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ" અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વિધાનસભા ગૃહમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

વાંધા સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે

ગુજરાત રજીસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં સુધારો કરવામાં આવ્યો છે. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી છે. લગ્ન નોંધણીના નિયમોની જાહેરાત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અંગે વાંધા સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે. યોગ્ય વાંધાઓ અને સૂચનો હશે તેમાં સુધારો કરાશે. લગ્નની નોંધણીમાં માતા પિતાની પરવાનગીઓ ફરજિયાત બનાવાશે. સરકાર દ્વારા 'સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ' અને જરૂરી દસ્તાવેજો વિશે માહિતી આપી છે. ત્યારે ચાર સ્ટેપમાં 'સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ' અને જરૂરી દસ્તાવેજો વિશે જાણીએ.

સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ

  • સ્ટેપ-1: લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસંસ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.
  • સ્ટેપ-2[A]: સરકાર દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-I (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
    • વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ.
    • વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર.
    • લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા.
    • વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
    • વર-વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.
    • સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.
    • અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.
  • સ્ટેપ-2[B]: વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  1. માતા/પિતાનું આધાર કાર્ડ.
  2. પિતાનું પૂરુ નામ.
  3. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
  4. પિતાનો મોબાઈલ નંબર.
  5. માતાનું પૂરુ નામ.
  6. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
  7. માતાના મોબાઈલ નંબર.
  • સ્ટેપ-3[A]: આસિસ્ટંટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેકટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
  • સ્ટેપ-3[B]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારને ખાતરી થયેથી પેટા નિયમો (1 થી 7) માં દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ 30 દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.
  • સ્ટેપ-4: રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.