Raju Karpada: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા મોટી રાજકીય હલચલ, ખેડૂત નેતા રાજુ કરપડા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

આજે તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કેસરી ખેસ ધારણ કરી શકે છે. ચૂંટણી દરમિયાનની આ હિલચાલ આપે મોટો ફટકો પહોંચાડી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 09 Apr 2026 11:02 AM (IST)Updated: Thu, 09 Apr 2026 02:11 PM (IST)
gujarat-local-body-elections-2026-raju-karpada-set-to-join-bjp-with-supporters

Raju Karpada, Gujarat Local Body Elections 2026: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત નેતા તરીકે રાજ્યભરમાં છાપ ઉભી કરનારા યુવા નેતાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. રાજુ કરપડાએ થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. પક્ષના નેતાઓ સાથે થયેલા આંતરિક વિખવાદ બાદ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ અનેક અટકળો ચાલી રહી હતી કે તેઓ કોઇ મોટા પક્ષ સાથે જોડાશે. હવે રાજુ કરપકડા મોટા સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે.

રાજુ કરપડા ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાએ ખેડૂત સંમેલનો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં રાજકીય ક્ષેત્રે કેવા પ્રકારના પગલા ભરવા તે અંગેનો નિર્ણય તેઓ ખેડૂત આગેવાનો સાથે બેસીને ચર્ચા કરીને કરશે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા રાજ્યમાં ચાલી રહી છે અને ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવી રહ્યાં છે ત્યારે હવે એવી ચર્ચાઓ રાજકીય વર્તૂળોમાં ઉઠી છે કે રાજુ કરપડા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ શકે છે. આજે તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કેસરી ખેસ ધારણ કરી શકે છે. ચૂંટણી દરમિયાનની આ હિલચાલ આપે મોટો ફટકો પહોંચાડી શકે છે.

આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ સામે વિખવાદ

રાજુ કરપડા બોટાદના હડદડમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. હડદડની ઘટના બાદ તેણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જેલવાસ દરમિયાન પક્ષના સ્થાનિક નેતાઓ દ્વારા ખાસ કોઇ મદદ કરવામાં ન આવી હોવાના તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને અનેક આક્ષેપો કર્યા હતા.

રાજુ કરપડા દ્વારા પક્ષ છોડવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ રાજુ કરપડાએ જે આક્ષેપો કર્યા હતા તેની સામે ખુલાસો કર્યા હતા અને વળતા પ્રહાર કર્યા હતા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે તેઓ ભાજપ સાથે જોડાઇ શકે છે. જોકે સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેડૂત સભા દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે પાર્ટી ખેડૂતના હિતનું વિચારતી હશે, જે પાર્ટી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવશે એ પક્ષમાં તેઓ જોડાશે. પછી એ કોંગ્રેસ પણ હોય અને ભાજપ પણ હોય. જો ભાજપ દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવામાં આવશે તો તેઓ ભાજપના વખાણ પણ કરશે.