Advocates Strike Ends Gujarat: નવા ભાડા વિધેયક (Tenancy Bill) ના વિરોધમાં રાજ્યભરમાં છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી વકીલોની પ્રતીક હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે. સરકાર અને વકીલોના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ હડતાલ સમેટી લેવાનો નિર્ણય લેવાયો છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે ભાડૂઆત અને મિલકત સંબંધિત તમામ કાનૂની સત્તાઓ જ્યુડિશિયરી પાસે જ જાળવી રાખવામાં આવશે અને વિધેયકમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે 5 સભ્યોની વિશેષ કમિટીની રચના કરવામાં આવશે.
સરકાર સાથે બેઠક અને સુધારા સમિતિની રચના
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલના જણાવ્યા અનુસાર, નવા ભાડા વિધેયકની જોગવાઈઓને લઈને રાજ્યના વકીલ આલમમાં ભારે નારાજગી હતી અને તેઓ કોર્ટ કામકાજથી અળગા રહ્યા હતા. આ વિવાદના ઉકેલ માટે નાયબ મુખ્યમંત્રી તથા બાર કાઉન્સિલના હોદ્દેદારો વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી. સરકાર દ્વારા રચનારાયેલી પાંચ સભ્યોની કમિટી વર્તમાન કાયદા અને નવા કાયદાનો ઝીણવટભર્યો અભ્યાસ કરશે અને કમિટીની ભલામણોના આધારે સુધારા અંગે આખરી નિર્ણય લેવાશે.
સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જયશંકર પ્રજાપતિએ સ્પષ્ટ કર્યું કે, નવા ડ્રાફ્ટમાં કલેક્ટર કે મહેસૂલી અધિકારીઓને ન્યાયિક સત્તા આપવાની જે જોગવાઈ હતી તે રદ કરવામાં આવશે અને તમામ કાનૂની સત્તા સ્મોલ કોઝ કોર્ટ પાસે જ રહેશે.
7 ઓક્ટોબરથી કોર્ટ કામગીરી રાબેતા મુજબ થશે
અમદાવાદ ક્રિમિનલ કોર્ટના પ્રતિનિધિ જગતભાઈ ચોક્સીએ માહિતી આપી હતી કે, વકીલોએ પોતાના વિરોધના મુખ્ય મુદ્દાઓ સરકાર સમક્ષ મજબૂતીથી રજૂ કર્યા હતા. સરકાર તરફથી સત્તાવાર ખાતરી મળતાં તમામ વિરોધ પ્રદર્શનો સમેટી લેવાયા છે અને આજે 7 ઓક્ટોબરથી રાજ્યની તમામ અદાલતોમાં કામગીરી પુનઃ રાબેતા મુજબ શરૂ થઈ જશે, જેથી અસીલોને રાહત મળશે.
વકીલો શા માટે કરી રહ્યા હતા વિરોધ?
જૂના કાયદા હેઠળ મકાન માલિક અને ભાડૂઆત વચ્ચેના તમામ વિવાદો સ્મોલ કોઝીઝ કોર્ટમાં તાલીમબદ્ધ ન્યાયાધીશો સમક્ષ ચાલતા હતા. પરંતુ નવા તૈયાર કરાયેલા બિલમાં આ સત્તા આંચકીને નાયબ કલેક્ટર અથવા મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નર જેવા વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈ હતી.
વકીલોના વિરોધના મુખ્ય ત્રણ કારણો હતા:
- 1) ડ્રાફ્ટ બિલ તૈયાર કરતા પહેલાં વકીલો કે સ્ટેકહોલ્ડર્સ પાસેથી કોઈ સૂચનો મગાવવામાં આવ્યા નહોતા.
- 2) વહીવટી અધિકારીઓ પાસે કાયદાકીય પ્રક્રિયાની પૂરતી તાલીમ હોતી નથી, જેથી તેમને ન્યાયાધીશ તરીકે સત્તા આપવી અયોગ્ય છે.
- 3) વકીલો તેમજ પક્ષકારો માટે કોર્ટ કેમ્પસ છોડીને કલેક્ટર કચેરી કે કોર્પોરેશનના અલગ-અલગ ઝોનમાં જઈ કેસ લડવાનું અત્યંત મુશ્કેલ બની જાય તેમ હતું.
સરકારના આ વલણથી હાલ રાજ્યપાલની સહી માટે પેન્ડિંગ આ બિલમાં વકીલોના હિતમાં જરૂરી ફેરફારો થવાનો માર્ગ પ્રશસ્ત થયો છે.
