ગુજરાતમાં જમીન રિ-સરવેની કામગીરી હવે તાલુકા કક્ષાએ થશે: ખેડૂતોને વાંધા અરજી માટે 31 ડિસેમ્બર 2026 સુધીની મુદત મળી

રિ-સરવેની કામગીરી પાછળ અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં દોઢ કરોડ સરવે નંબરોનું ચોક્કસ માપ નક્કી થઈ શક્યું નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 06 Jan 2026 11:32 AM (IST)Updated: Tue, 06 Jan 2026 11:32 AM (IST)
gujarat-land-re-survey-at-taluka-level-farmers-can-file-objections-till-31-dec-2026

Gujarat Land Re-Survey 2026: ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલી જમીન રિ-સરવેની પ્રક્રિયામાં વ્યાપક ભૂલો અને પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લીધો છે. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકે હવે માપણી તંત્રને જિલ્લા કક્ષાએથી ખસેડીને તાલુકા કક્ષાએ લઈ જવાની સત્તાવાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વહીવટી તંત્રનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ

સેટલમેન્ટ કમિશનર બીજલ શાહ દ્વારા તમામ કલેક્ટરોને પત્ર લખીને DILR, સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ અને હક્ક ચોકસી અધિકારી જેવી વર્ગ-2ની કચેરીઓને તાલુકા કક્ષાએ લઈ જવા દરખાસ્તો મંગાવવામાં આવી છે. આ નિર્ણયને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને તેની સત્તાવાર જાહેરાત ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન કરવામાં આવશે. આ ફેરફારથી છેલ્લા 15 વર્ષથી ચાલતી પ્રક્રિયા આગામી 3 થી 4 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે.

ખેડૂતો માટે વાંધા અરજીની મુદતમાં વધારો

રિ-સરવે બાદ પ્રમોલગેશનમાં રહેલી માપણી, નામ કે ક્ષેત્રફળ જેવી ક્ષતિઓ સુધારવા માટે ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. વાંધા અરજી રજૂ કરવાની મુદતમાં સતત 10મા વર્ષે વધારો કરીને હવે 31મી ડિસેમ્બર 2026 સુધીની મુદત લંબાવવામાં આવી છે. હાલમાં રાજ્યના 18,509 ગામોમાંથી આશરે 10,759 ગામોમાં પ્રમોલગેશન પૂર્ણ થયું છે, જ્યારે હજુ સાતેક હજાર ગામોમાં કામગીરી બાકી છે.

કરોડોનો ખર્ચ છતાં માપણી લટકી

રિ-સરવેની કામગીરી પાછળ અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં દોઢ કરોડ સરવે નંબરોનું ચોક્કસ માપ નક્કી થઈ શક્યું નથી. વર્ષ 2016-17માં નવા રેકોર્ડ પ્રસિદ્ધ થયા બાદ ગામેગામથી ભૂલોની ફરિયાદો ઉઠી હતી, જેના કારણે ઓગસ્ટ 2018માં સરકારે કામગીરી પર રોક લગાવી સુધારા પ્રક્રિયા શરૂ કરવી પડી હતી. હાલમાં ભૂલો સુધારવા માટે આશરે 5 લાખ જેટલી વાંધા અરજીઓ પેન્ડિંગ છે.

સરકારી જમીનની માપણી માટે 'આઈ મોજણી' પોર્ટલ

ખાનગી જમીનની માપણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને સરકારી જમીનની માપણીમાં થતા વિલંબને રોકવા માટે મહેસૂલ વિભાગે નવો આદેશ કર્યો છે. હવે સરકારી જમીનની માપણીના કેસોનું મોનિટરિંગ સીધું વિભાગ સ્તરેથી 'આઈ મોજણી' પોર્ટલ દ્વારા કરવામાં આવશે. iORA પોર્ટલ પર અરજી અને ફી ભર્યા બાદ આઈ મોજણી પોર્ટલ પર ડેટા જનરેટ કરવાના આદેશથી કામગીરીમાં પારદર્શિતા આવશે.