Health Workers Strike: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત, સમાધાન બાદ જ ફરજ પર હાજર થઇશુંઃ મહાસંઘ પ્રમુખ

મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ આર. મોરીએ જણાવ્યું હતું કે, હડતાળ દરમિયાન આપવામાં આવેલી તમામ સજાઓ સરકાર દ્વારા રદ કરવામાં આવશે. તકોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 26 Mar 2025 01:06 PM (IST)Updated: Wed 26 Mar 2025 01:06 PM (IST)
gujarat-health-workers-strike-continues-in-gandhinagar-will-resume-duty-only-after-settlement-mahasangh-president-497940
HIGHLIGHTS
  • આજે રાત્રે 8 વાગ્યે થાળી અને ચમચી સાથે વગાડવાનો કાર્યક્રમ યોજાશે

Gujarat Health Workers Strike: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળ આજે પણ ચાલુ રહી હતી. રાજ્યના 33 જિલ્લાના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ આર. મોરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમારા કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી. સરકાર સાથેના સુખદ સમાધાન બાદ અમે ફરીથી ફરજ પર હાજર થઈશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હડતાળ દરમિયાન આપવામાં આવેલી તમામ સજાઓ સરકાર દ્વારા રદ કરવામાં આવશે. તેથી, કોઈ પણ કર્મચારીએ ચિંતા કરવાની જરૂર નથી. તમામ કર્મચારીઓએ ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીમાં હડતાળને સમર્થન આપવા માટે હાજર રહેવું જોઈએ. તમામ કર્મચારીઓએ દરરોજ સવારે 10:30 થી સાંજે 8:00 વાગ્યા સુધી ગાંધીજીના માર્ગે સત્યાગ્રહ છાવણીમાં બેસવાનું છે. મહાસંઘ દ્વારા આપવામાં આવેલા તમામ આદેશોનું પાલન કરવાનું રહેશે. આજે રાત્રે 8:00 વાગ્યે થાળી અને ચમચી સાથે વગાડવાનો કાર્યક્રમ યોજાશે.

તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ કર્મચારીએ ફરજ પર હાજર થવાનું નથી. સરકાર દ્વારા આપવામાં આવતી કોઈપણ ધમકી કે સજાથી ડરવાની જરૂર નથી. જે જિલ્લામાં કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, તેઓએ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમામ કર્મચારીઓએ હડતાળને સમર્થન આપવા માટે ગાંધીનગર આવવું જોઈએ. અમારી હડતાળ સંપૂર્ણપણે ગાંધીજીના માર્ગે છે. કોઈ પણ નોટિસનો જવાબ આપવાની જરૂર નથી. જો કોઈ જિલ્લાને જવાબ આપવો હોય તો તેઓ આપી શકે છે. હડતાળના અંતે કોઈને પણ કશું થશે નહીં. જે કર્મચારીઓ હડતાળમાં જોડાયા નથી, તેઓએ પણ જોડાઈને સમર્થન આપવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ગાંધીજીના માર્ગે ચાલી રહેલી હડતાળને સમર્થન આપવા માટે સત્યાગ્રહ છાવણીમાં હાજર રહેવું જોઈએ. જે કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, તેઓએ હાલમાં હાઈકોર્ટનો આશરો લેવાની જરૂર નથી.