Petrol Diesel In Gujarat: સરકારની નાગરિકોને હૈયાધારણા; પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ,અફવા-પેનિક બાઈંગથી દૂર રહો

કૃષિ હેતુ માટે 200 લિટરની મર્યાદામાં અને મોબાઇલ ટાવર્સ માટે 1000 લિટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 25 May 2026 08:56 PM (IST)Updated: Mon, 25 May 2026 08:57 PM (IST)
gujarat-govt-assures-adequate-petrol-diesel-supply-urges-citizens-to-avoid-panic-buying

Petrol Diesel In Gujarat:રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી નાગરિકોએ બિલકુલ ગભરાવવાની જરૂર નથી, તેમ આજે રાજ્ય સરકારે નાગરિકોને હૈયા ખાતરી આપી હતી. આ અંગે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.

મોનિટરિંગ અને ડેટા કલેક્શન

રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ નથી તેની વિગતો સરકારી તંત્ર દ્વારા સતત એકત્રિત કરવામાં આવી રહી છે. આ ડેટાના આધારે કયા વિસ્તારોમાં ઇંધણની વધુ જરૂરિયાત છે તેનો સચોટ ખ્યાલ મેળવી ત્વરિત પગલાં લેવામાં આવે છે.

ઓઈલ કંપનીઓ સાથે ઉચ્ચ સ્તરીય સંકલન

IOCL, BPCL અને HPCL જેવી અગ્રણી ઓઈલ માર્કેટીંગ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ લગભગ દૈનિક ધોરણે સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે. જે વિસ્તારો કે પંપ પર સ્ટોક ઓછો જણાય, ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે કંપનીઓને ત્વરિત સૂચના આપવામાં આવે છે.

જિલ્લા વહીવટી તંત્રને કડક સૂચના

વિભાગ દ્વારા વીડિયો કોન્ફરન્સ (VC) ના માધ્યમથી તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને સતત પેટ્રોલ-ડીઝલના જથ્થાનું મોનીટરીંગ કરવા આદેશો અપાયા છે. રાજ્યમાં ક્યાંય પણ ઇંધણનું અનધિકૃત વેચાણ કે સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને કડક સૂચનો આપવામાં આવ્યા છે.

દૈનિક રિપોર્ટિંગ અને વિશ્લેષણ

દરરોજ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ પાસેથી સમગ્ર રાજ્યનો પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરવઠા ડેટા મેળવીને રાજ્ય સ્તરે એક સઘન અહેવાલ તૈયાર થાય છે. આ વિશ્લેષણના આધારે સંબંધિત જિલ્લા પુરવઠા અધિકારીઓ અને કંપનીઓને જરૂરી વ્યવસ્થા ગોઠવવા દિશાનિર્દેશો અપાય છે.

ફરિયાદોનું ત્વરિત અને સમયબદ્ધ નિવારણ

નાગરિકો અને પેટ્રોલ પંપ ડીલર્સને કોઈ અગવડ ન પડે તે માટે પેટ્રોલ પંપ ડ્રાય આઉટ (જથ્થો ખૂટી જવો) ની સમસ્યા અંગે મળતી ફરિયાદો પર જિલ્લા પુરવઠા તંત્ર અને ઓઇલ કંપનીઓ દ્વારા તાત્કાલિક ફોલો-અપ લેવામાં આવે છે. આ ઉપરાંત, અખબારો કે અન્ય માધ્યમો દ્વારા મળતી માહિતીને આધારે પણ તંત્ર તાત્કાલિક જે-તે સ્થળે સપ્લાય સુનિશ્ચિત કરે છે.

પુરવઠાની વાસ્તવિક સ્થિતિ અને નિયમો

રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે વાહનોની ટાંકીમાં ઈંધણ ભરાવવા અંગે કોઈ જ નિયંત્રણ મુકવામાં આવ્યું નથી. જોકે, અન્ય વિશિષ્ટ હેતુઓ માટે સપ્લાય જળવાઈ રહે તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં કૃષિ હેતુ માટે 200 લિટરની મર્યાદામાં અને મોબાઇલ ટાવર્સ માટે 1000 લિટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઉદ્યોગો માટે જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી, તેઓને છેલ્લા છ માસના સરેરાશ ઉપયોગને ધ્યાને લઈ ડીઝલ ફાળવવામાં આવશે.

માસિક સેલ ગ્રોથ રેટ 80% થી વધુ

ઓઇલ માર્કેટીંગ કંપનીઓના સત્તાવાર અહેવાલ મુજબ જાહેરક્ષેત્રની કંપનીઓનો માસિક સેલ ગ્રોથ રેટ 80% થી વધુ નોંધાયો છે. નાગરીકો દ્વારા બિનજરૂરી ડરના કારણે કરવામાં આવતા પેનિક બાઇંગને લીધે પેટ્રોલ પંપ પર નવો જથ્થો પહોંચતાની સાથે જ તુરંત વેચાઈ જાય છે.

ટર્મિનલ પરથી નવો જથ્થો પંપ સુધી પહોંચવામાં જે સમય લાગે છે, માત્ર તેટલા જ પૂરતો જથ્થો હંગામી સમય માટે ખૂટવાની પરિસ્થિતિ સર્જાય છે, જે અછત નથી.

ગુજરાત સરકાર રાજ્યના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરે છે કે અફવાઓથી ગભરાયા વગર પોતાની રોજિંદી જરૂરિયાત મુજબ જ ઇંધણની ખરીદી કરે. રાજ્યનું વહીવટીતંત્ર નાગરિકોની સુવિધા માટે સંપૂર્ણપણે સજ્જ અને કાર્યરત છે.