LPG Supply in Gujarat: એલપીજી ગેસ સરળતાથી મળે એ માટે સરકારે શું પગલા લીધા?, વિધાનસભામાં ઉર્જામંત્રીએ કહ્યું 1 હજારથી વધુ ટીમો કાર્યરત

ગુજરાત સરકાર દ્વારા એલ.પી.જી.ની ફરિયાદ બાબતે હેલ્પ લાઈન નંબર 1800-233-0222, તા. 13 માર્ચ 2026થી શરૂ કરવામાં આવી છે .જેમાં કુલ 7843 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 25 Mar 2026 11:59 AM (IST)Updated: Wed, 25 Mar 2026 11:59 AM (IST)
gujarat-government-steps-to-ensure-easy-lpg-gas-availability-1000-teams-at-work-energy-minister-rushikesh-patel

LPG Supply in Gujarat: ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિકકક્ષાએ ઉર્જા સંબંધિત પડકાર ઉભા થયા છે. ગુજરાતમાં એલપીજી ગેસ ધારકોને કોઇ અવરોધ વગર નિયમિતપણે ગેસ પૂરો પાડવામાં માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પગલાઓ ભરવામાં આવ્યા છે. જે અંગે રાજ્યના ઉર્જા અને પેટ્રોલિયમમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકોને એલપીજી ગેસ સરળતાથી મળી રહે એ માટે 1 હજારથી વધુ ટીમો કાર્યરત છે. 7843 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યના ઉર્જા અને પેટ્રોલિયમમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છેકે, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 5 માર્ચ 2026ના હુકમથી સૂચનાઓ આપવામાં આવી છે .જેમાં મુખ્ય તમામ ઓઈલ રીફાઈનરીઓ દ્વારા ઉત્પાદિત થતો એલ.પી.જી .ગેસ માત્ર ત્રણ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (I.O.C.L., B.P.C.L, H.P.C.L ) ને જ પૂરો પાડવામાં આવે છે, જે અન્વયે 9 માર્ચ 2026ના પત્રથી તમામ જિલ્લાઓને સૂચના આપવામાં આવી છે.

ઉપરાંત, કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 9 માર્ચ 2026ના હુકમથી સૂચનાઓ આપવામાં આવી છે .જેમાં રાંધણગેસના પુરવઠા નિયંત્રણ આદેશ 2026 દ્વારા કેન્દ્ર સરકારે પ્રાયોરિટી સેકટરો નિયત કર્યા છે તથા તે મુજબ જ તમામ રાજયોમાં ગેસની આપૂર્તિ કરવા સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે, જે અન્વયે 15 માર્ચ 2026ના પત્રથી તમામ જિલ્લાઓને સૂચના આપવામાં આવી છે .

કેન્દ્ર સરકારના હુકમોના અનુપાલન અર્થે અત્રેના 12 માર્ચ 2026ના પત્રથી રાજ્યની તમામ જાહેરક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની ગેસ એજન્સીઓનાં સ્થળે એક રેવન્યુ અને એક પોલીસ કર્મચારીની ટીમને પાત્ર ગ્રાહકોને સમયસર ઘરેલું એલપીજી મળી રહે તે હેતુસર સઘન મોનીટરીંગ માટે આવી 1029 ટીમો હાજર રાખવામાં આવી છે. તમામ પોલીસ કમિશનરઓને એલ.પી.જી .વહન કરતાં વાહનોને મુક્ત હેરફેર થઈ શકે તે માટે સૂચના આપવામાં આવેલ છે, તમામ કલેક્ટરઓને પણ રાજયમાં એલ.પી.જી.નું વિતરણ સૂચારૂરૂપે ચાલે તે માટે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂરૂપે જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવી છે .

રાજ્યમાં એલ.પી.જી .પુરવઠાનું સતત અને સઘન મોનીટરીંગ કરવા માટે ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ સાથે દૈનિક ધોરણે મીટીંગ અને જિલ્લા તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
5 માર્ચ 2026થી આજ દિન સુધી જિલ્લા કક્ષાએ તપાસ ટીમ દ્વારા કુલ -2945 તથા રાજ્ય કક્ષાની તપાસ ટીમ દ્વારા કુલ - 17 તપાસો કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા એલ.પી.જી.ની ફરિયાદ બાબતે હેલ્પ લાઈન નંબર 1800-233-0222, તા. 13 માર્ચ 2026થી શરૂ કરવામાં આવી છે .જેમાં કુલ 7843 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.