Gandhinagar: ગુજરાતમાં વોટ્સએપ ગવર્નન્સની શરૂઆત, રાજ્ય સરકાર અને મેટા વચ્ચે MoU થયા; જાણો શું ફાયદા થશે?

ગુજરાત સરકારની 20 સરકારી સેવાઓ હવે મોબાઈલ પર ઉપલબ્ધ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 26 May 2026 08:49 AM (IST)Updated: Tue, 26 May 2026 08:49 AM (IST)
gujarat-government-mou-with-meta-whatsapp-governance-and-citizen-services
HIGHLIGHTS
  • ગુજરાતમાં વોટ્સએપ ગવર્નન્સ શરૂ
  • 20 સરકારી સેવા હવે મોબાઈલ પર

Gujarat Government-Meta MoU: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ડિજિટલ ગવર્નન્સને વેગ આપવા માટે ગુજરાત સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક (Meta Platforms Inc.) વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MOU થયા છે. આ કરાર થકી રાજ્યમાં વોટ્સએપ ગવર્નન્સની શરૂઆત થશે, જે નાગરિકોને 'લાઇનથી ઓનલાઇન' તરફ લઈ જશે.

naidunia_image

વોટ્સએપ પર કઈ સેવાઓ મળશે?

આ નવા સુગમ ડિજિટલ ઇનિશિયેટિવ અંતર્ગત રાજ્યભરના નાગરિકોને એક જ વોટ્સએપ નંબર દ્વારા 20 જેટલી સરકારી સેવાઓનો લાભ ઘરે બેઠા પોતાના ફોન પર જ મળશે. આ સેવાઓ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં વોટ્સએપ ચેટ બોટ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જે મુખ્ય સેવાઓ વોટ્સએપ પર પૂરી પાડવામાં આવશે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ગ્રીવન્સીસ રીડ્રેસલ (ફરિયાદ નિવારણ સહાય)
  • આવક, જાતિ અને EWS પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ અપડેટ્સ
  • મહેસૂલ રેકોર્ડ અને સત્તાવાર સોગંદનામા

રાજ્યના નાગરિકોને શું ફાયદો થશે?

આ નવીન વ્યવસ્થાથી નાગરિકોને હવે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવાની કે સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને લાંબી લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. માત્ર માહિતી જ નહીં, પરંતુ અરજી કરવાથી લઈને પ્રમાણપત્ર મેળવવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા (End-to-end) વોટ્સએપ પર વધુ સરળ અને સુલભ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે.

આ સર્વિસ ડિલીવરી પ્રોસેસથી રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ શક્ય બનશે. તેનાથી સામાન્ય માનવીના સમય અને ખર્ચ બંનેની બચત થશે તથા સરકારી કામકાજમાં પારદર્શિતા અને જવાબદેહી વધુ મજબૂત થશે. આ ટેક્નોલોજીનો સીધો લાભ ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારના લોકોને મળશે.

MOU હસ્તાક્ષર અને ભવિષ્યની યોજના

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ MOU પર રાજ્ય સરકાર વતી સામાન્ય વહીવટ વિભાગના સચિવ હારિત શુક્લા અને મેટા વતી ડિરેક્ટર અમન જૈન તથા કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી. આ ઐતિહાસિક અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર આવનાર સમયમાં તબક્કાવાર વધુ સરકારી સેવાઓને પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે સાંકળવાની નેમ ધરાવે છે. જન સેવા કેન્દ્રો અને VCE ની સફળતા બાદ, મેટા સાથેના આ જોડાણથી ગુજરાતનું સિટીઝન સેન્ટ્રીક ગવર્નન્સ એક નવા અને અત્યાધુનિક તબક્કામાં પ્રવેશી રહ્યું છે.