Old Pension Scheme: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે

1 એપ્રિલ 2005 પહેલા પસંદગી પામેલા રહેમરાહે કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં આવરી લેવાયા. યોજનાનો લાભ લેવા ઈચ્છતા અને પાત્રતા ધરાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ 3 મહિનામાં અરજી કરવી પડશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Aug 2026 08:32 PM (IST)Updated: Sat, 01 Aug 2026 08:32 PM (IST)
gujarat-government-extends-old-pension-scheme-benefits-to-compassionate-appointees

Old Pension Scheme: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નવા ઠરાવ અનુસાર રહેમરાહે (Compassionate Ground) નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના ચોક્કસ કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે

1 એપ્રિલ, 2005 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને આવરી લેવાયા

આ ઠરાવની વિગતો મુજબ, જે કર્મચારીઓની રહેમરાહે નિમણૂક માટેની પસંદગી પ્રક્રિયા 1 એપ્રિલ 2005 પહેલા પૂર્ણ થઈ ગઈ હોય અથવા જેઓની ફાળવણી (Recommendation) 1 એપ્રિલ 2005 પહેલા થઈ હોય, તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.


ખાસ કરીને 15 મે 2004 થી 31 માર્ચ 2005 દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત અથવા અન્ય વિભાગો દ્વારા રહેમરાહે નિમણૂક માટે ભલામણ કરાયેલા ઉમેદવારોને આમાં આવરી લેવામાં આવ્યા છે

આ સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ કર્મચારીની નિમણૂક 1 એપ્રિલ 2005 પછી થઈ હોય, પરંતુ તેમની પસંદગીની પ્રક્રિયા તે તારીખ પહેલા પૂર્ણ થઈ ગઈ હોય અને તેઓએ ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક મેળવી લીધી હોય, તો તેઓ પણ નાણા વિભાગના વર્ષ 2004 અને 2025ના ઠરાવો મુજબ જૂની પેન્શન યોજના માટે વિચારણાને પાત્ર રહેશે

જૂની પેન્શન યોજનાનો લાભ લેવા 3 મહિનામાં અરજી કરવી પડશે

આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા અને પાત્રતા ધરાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ આ ઠરાવ પ્રસિદ્ધ થયાના 3 (ત્રણ) માસની અંદર સત્તાવાર રીતે અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા નાણા વિભાગની અન્ય સૂચનાઓને આધીન રહેશે.