ગુજરાતમાં અનાજ વિતરણ વ્યવસ્થા બનશે વધુ પારદર્શક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગોડાઉન અને દુકાનો પર રહેશે સીધી નજર

ગુજરાતના 250 ગોડાઉન અને 17 હજાર વ્યાજબી ભાવની દુકાનો હવે ડિજિટલ પહેરા હેઠળ છે. જાણો કેવી રીતે નવી ટેક્નોલોજીથી અનાજ ચોરી પર કાયમી રોક લાગી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 07 Oct 2026 05:40 PM (IST)Updated: Wed, 07 Oct 2026 05:40 PM (IST)
gujarat-food-grain-distribution-digital-transparency-control
(AI Image)

Gujarat Command and Control Centre: રાજ્યના ગરીબ અને અંત્યોદય પરિવારો સુધી પહોંચતા અનાજની વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ગુજરાત સરકારે એક મોટું અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. હવે રાજ્યના 250 સરકારી ગોડાઉનથી લઈને 17 હજાર સસ્તા અનાજની દુકાનો સુધીની સમગ્ર સપ્લાય ચેઇનને ડિજિટાઇઝ કરી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા આ સમગ્ર સિસ્ટમ પર સીધી નજર રાખવામાં આવી રહી છે, જેના કારણે વચેટિયાઓ અને ગેરરીતિઓને કાયમી ધોરણે રોકી શકાઈ છે.

GPS અને જિયો-ફેન્સિંગ દ્વારા વાહનોનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ

સરકાર દ્વારા અનાજનું પરિવહન કરતા તમામ વાહનોને આઈસીટી (ICT) લોજિસ્ટિક્સ સોફ્ટવેર સાથે સાંકળવામાં આવ્યા છે. અનાજ ભરીને નીકળતા વાહનોનું જીપીએસ (GPS) અને જિયો-ફેન્સિંગ મારફતે રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરવામાં આવે છે.

વાહનનો નિર્ધારિત રૂટ બદલવાની કે કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાની શક્યતા હવે નહિવત્ થઈ ગઈ છે.

વાહન રસ્તામાં પાંચ મિનિટ માટે પણ બિનજરૂરી રોકાય, તો સિસ્ટમમાં તુરંત એલર્ટ જનરેટ થાય છે અને કંટ્રોલ રૂમ સક્રિય થઈને તાત્કાલિક પગલાં ભરે છે.

આ અંગે વાજબી ભાવની દુકાનના સંચાલક મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે- આ ડિજિટલ સિસ્ટમથી કામગીરીમાં પારદર્શિતા વધી છે અને સમયસર જથ્થો ઉપલબ્ધ થઈ રહ્યો છે.

7 હજાર સીસીટીવી કેમેરા અને ‘અન્ન દર્પણ’ પોર્ટલથી ચોવીસ કલાક નિગરાણી

ગાંધીનગર સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમથી 7 હજાર જેટલા સીસીટીવી કેમેરા અને ખાસ વિકસાવવામાં આવેલા ‘અન્ન દર્પણ’ પોર્ટલ દ્વારા રાજ્યભરના ગોડાઉનોના લાઈવ સ્ટોક પર 24 કલાક નજર રાખવામાં આવે છે. સ્માર્ટ રૂટ પ્લાનિંગ અપનાવવામાં આવવાથી પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થયો છે અને અનાજની ઘટ અટકવાના કારણે લાભાર્થીઓને પૂરતો અને નિર્ધારિત જથ્થો નિયમિત મળી રહ્યો છે.

જિલ્લા પુરવઠા અધિકારી આર. એમ. શુક્લે આ બાબતે વિગત આપતા જણાવ્યું હતું કે- ટેક્નોલોજીના ઉપયોગથી વિતરણ પ્રક્રિયા અત્યંત ઝડપી અને ચોક્કસ બની છે, જેનાથી છેવાડાના માનવીને મોટો ફાયદો મળી રહ્યો છે.

ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ (GSCSCL)ના એમડી ચેતન બી. ગણાત્રાએ જણાવ્યું કે- વિતરણ શૃંખલાને મજબૂત કરવાના આ પ્રયાસોથી સિસ્ટમની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

ટેકાના ભાવની ખરીદીમાં પણ ડિજિટલ પારદર્શિતા

માત્ર અનાજ વિતરણ જ નહીં, પરંતુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે થતી અનાજની ખરીદીમાં પણ ડિજિટલ માધ્યમોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતોના આધાર કાર્ડ, બેંક ખાતાં અને જમીનના રેકોર્ડ્સની ઓનલાઇન ચકાસણી કરવામાં આવે છે.

ખરીદી બાદ અનાજની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે અને તેની માહિતી ખેડૂતોને તત્કાળ એસએમએસ (SMS) દ્વારા મળી જાય છે.

ટેક્નોલોજીના આ સચોટ અને પારદર્શક ઉપયોગથી સમગ્ર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે અને સામાન્ય નાગરિકોનો સરકારી વ્યવસ્થાઓ પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.