ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર: ટેકાના ભાવે પાક વેચવા માટે હવે 24 ઓક્ટોબર 2026 સુધી કરાવી શકાશે રજિસ્ટ્રેશન

રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ મેળવવા ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ખુલ્લું મુકાયું છે. 4થી 15ઓક્ટોબર સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 04 Oct 2026 11:58 AM (IST)Updated: Sun, 04 Oct 2026 11:58 AM (IST)
gujarat-farmers-news-msp-crop-registration-extended-till-october-24-2026

Gujarat Farmers News: રાજ્યના ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી કૃષિ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં 15 દિવસનો મોટો વધારો કર્યો છે, જેથી હવે ખેડૂતો પોતાની મગફળી, સોયાબીન, મગ અને અડદના વેચાણ માટે 24 ઓક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સાથે જ રવિ સીઝનમાં પ્રમાણિત બિયારણ અને સહાય મેળવવા માટે આગામી 4 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી 'આઇ-ખેડૂત પોર્ટલ' પણ ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.

ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા આગામી રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદર્શન ઘટકોનો લાભ રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડવા માટે અરજીઓ આવકારવામાં આવી છે. આ તમામ ઘટકો હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતો ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર અરજી કરી શકશે. આ પોર્ટલ આજે 4 ઓક્ટોબરથી આગામી 15 ઓક્ટોબર એટલે કે કુલ 12 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

વધુમાં, રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અગાઉ અંતિમ તારીખ 9 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ, વિવિધ સાંસદઓ, ધારાસભ્યઓ તથા ખેડૂત પ્રતિનિધિઓ તરફથી મળેલી સાનુકૂળ રજૂઆતોને સંવેદનશીલતાથી ધ્યાને રાખીને રાજ્ય સરકારે નોંધણી પ્રક્રિયામાં 15 દિવસનો વધારો કરવાનો પ્રજાહિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણયના પરિણામે હવે રાજ્યના ખેડૂતો મગફળી, મગ, સોયાબીન અને અડદ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે લંબાવેલી મુદત મુજબ આગામી 24 ઓક્ટોબર,2026 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને સમયસર ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પરથી સરકારી યોજનાઓની અરજી કરવા અને ટેકાના ભાવે ખરીદી માટે લંબાવવામાં આવેલી નોંધણી મુદતનો મહત્તમ લાભ લેવા આગ્રહપૂર્વક અપીલ કરી છે.