Gujarat Education Update: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી ફરજિયાત બનાવવામાં આવી છે. આ કસોટી દરેક વિષયમાં સત્રદીઠ 25 ગુણની રહેશે. આ નિયમ રાજ્યની તમામ શાળાઓમાં લાગુ પડશે. પ્રથમ સત્રની કસોટી 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે બીજા સત્રની કસોટી 22થી 31 ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. શાળાઓ પોતાના અનુકૂળ સમયપત્રક મુજબ કસોટીનું આયોજન કરી શકશે. પ્રથમ સત્ર માટે 31 ઓગસ્ટ સુધીનો અને બીજા સત્ર માટે 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ કસોટીમાં સમાવવામાં આવશે.
એકમ કસોટીનું મૂલ્યાંકન અને ડેટા એન્ટ્રી
આ કસોટી વિદ્યાર્થીઓએ અલગ નોટબુકમાં લખવાની રહેશે. કસોટી પૂર્ણ થયા બાદ શિક્ષકો દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ વાલીઓને પણ બતાવવામાં આવશે, જેથી તેઓ વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે માહિતગાર થઈ શકે. ભવિષ્યમાં આ પરિણામોની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવશે. આ એકમ કસોટીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શિક્ષણનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો છે અને તેમને પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર કરવાનો છે.
શિક્ષકો માટે પ્રશ્નબેંક ઉપલબ્ધ
શિક્ષકોને કસોટી તૈયાર કરવામાં મદદ મળે તે માટે GCERT અને બોર્ડ દ્વારા એક પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. શિક્ષકો આ પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકે છે અથવા વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ નવા પ્રશ્નો પણ તૈયાર કરી શકે છે. કસોટી લર્નિંગ આઉટકમ આધારિત બનાવવાની રહેશે, જેમાં હેતુલક્ષી, ટૂંકા જવાબી, અતિ ટૂંકા જવાબી અને નિબંધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.