Gandhinagar News: રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે ઉમેદવારોમાં પ્રવર્તતી અનિશ્ચિતતા અને અપેક્ષાઓ વચ્ચે, શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા માટે એક ખાસ પોર્ટલની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરેએ જણાવ્યું હતું કે, ભરતીમાં ખાલી રહેતી બેઠકો માટે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા માટે એક વિશેષ પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આનાથી ખાલી પડેલી જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોને તક મળી શકશે.આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્તમાન ભરતી પ્રક્રિયા ચાલુ છે અને ખાલી રહેતી જગ્યાઓ માટે આગામી સમયમાં નવી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા TET-1, TET-2, TAT માધ્યમિક અને TAT ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ લેવામાં આવશે. આ જાહેરાત ખાસ કરીને છેલ્લા બે વર્ષથી B.Ed. કરી તાલીમી સ્નાતક થયેલા ઉમેદવારો માટે રાહતરૂપ બની શકે છે, જેઓ નોકરીની તકોની રાહ જોઈ રહ્યા છે. આ ઉમેદવારોને પણ પૂરતી તકો મળે તે માટેની વ્યવસ્થા ટૂંક સમયમાં કરવામાં આવશે.