Gujarat Draft Voter List 2027: ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) દ્વારા તા. 01 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના આધારે ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) હેઠળ તૈયાર કરાયેલી રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી (Integrated Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવી છે. 27 નવેમ્બર, 2026ના રોજ રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિભાગોમાં આ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ નવી યાદી મુજબ ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા વધીને 4,48,77,288 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં મતદારોની સંખ્યામાં 1.92 ટકાનો ચોખ્ખો વધારો
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ, 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર થયેલી આખરી મતદાર યાદીમાં રાજ્યમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા હતા. તેની સામે 27 નવેમ્બર, 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા યાદીમાં 8,46,563 મતદારોનો (1.92 ટકા) ચોખ્ખો વધારો નોંધાયો છે. આ સુધારણા પ્રક્રિયા દરમિયાન નામ ઉમેરવા માટે મળેલા 12,01,184 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અવસાન કે સ્થળાંતર જેવા કારણોસર 3,54,621 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.
હાલમાં રાજ્યમાં નોંધાયેલા કુલ 4,48,77,288 મતદારોમાં 2,30,90,067 પુરુષ મતદારો, 2,17,86,150 મહિલા મતદારો અને 1,071 ત્રીજી જાતિના (થર્ડ જેન્ડર) મતદારોનો સમાવેશ થાય છે. તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પણ આ મતદાર યાદીની એક હાર્ડ કોપી અને ફોટોગ્રાફ વગરની એક સોફ્ટ કોપી (PDF) પૂરી પાડવામાં આવી છે.
મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?
નાગરિકો ઘરે બેઠા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://ceo.gujarat.gov.in પર જઈને મુસદ્દા મતદાર યાદીમાં પોતાનું નામ અને અન્ય વિગતો ચકાસી શકે છે. આ ઉપરાંત, સંબંધિત મતદાર નોંધણી અધિકારી (ERO)ની કચેરી અથવા પોતાના વિસ્તારના નિયત મતદાન મથક પર જઈને પણ યાદીની ખરાઈ કરી શકાય છે.
26 ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે
જો મુસદ્દા મતદાર યાદીમાં કોઈ નાગરિકનું નામ બાકી રહી ગયું હોય, નામ કે સરનામામાં કોઈ ભૂલ હોય અથવા કોઈ નામ સામે વાંધો હોય, તો 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધીમાં અરજી કરી શકાશે. નાગરિકોની સુવિધા માટે ચૂંટણી પંચ દ્વારા ત્રણ રવિવાર એટલે કે 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશના દિવસો (Special Campaign Days) જાહેર કરાયા છે. આ દિવસોમાં સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) મતદાન મથકો પર હાજર રહીને અરજીઓ સ્વીકારશે. આ ઉપરાંત વોટર્સ સર્વિસ પોર્ટલ (https://voters.eci.gov.in) અથવા ECINET મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અરજી પણ થઈ શકશે.
કયા કામ માટે કયું ફોર્મ ભરવું?
- ફોર્મ-6: નવા મતદાર તરીકે મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે.
- ફોર્મ-6ક: બિનનિવાસી ભારતીય (Overseas Elector)નું નામ યાદીમાં ઉમેરવા માટે.
- ફોર્મ-7: મતદાર યાદીમાં સૂચિત નામ સામે વાંધો લેવા અથવા અવસાન કે સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરાવવા માટે.
- ફોર્મ-8: સરનામું બદલવા, નામ-ઉંમર કે ફોટો જેવી વિગતોમાં સુધારો કરવા, ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ (EPIC) મેળવવા અથવા દિવ્યાંગજન (PwD) તરીકેની નોંધણી કરાવવા માટે.
યુવા મતદારો માટે એડવાન્સ અરજીની સુવિધા
01 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવાનોને મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ, વર્ષ 2027ની આગામી ત્રણ લાયકાતની તારીખો એટલે કે 01 એપ્રિલ, 01 જુલાઈ અને 01 ઓક્ટોબર, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર સંભવિત યુવા મતદારો પણ અત્યારથી એડવાન્સ અરજી કરી શકશે.
અપીલની જોગવાઈ અને આખરી યાદીની તારીખ
જો કોઈ નાગરિક મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા લેવાયેલા કોઈ નિર્ણયથી અસહમત હોય, તો તેઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 24(ક) હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી (કલેક્ટર) સમક્ષ પ્રથમ અપીલ કરી શકે છે. જો કલેક્ટરના નિર્ણય સામે પણ વાંધો હોય, તો કલમ 24(ખ) અને મતદાર નોંધણી નિયમો, 1960ના નિયમ 27 મુજબ મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) સમક્ષ બીજી અપીલ કરી શકાય છે.
મુખ્ય નિર્વાચન અધિકારીએ રાજ્યના યુવાનો, પ્રથમ વખતના મતદારો, દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને ત્રીજી જાતિના નાગરિકોને લોકશાહીની આ પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી છે. તમામ હક્ક-દાવા અને વાંધાઓના નિકાલ બાદ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ તા. 18 જાન્યુઆરી, 2027ના રોજ કરવામાં આવશે.
