ગુજરાત બનશે દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ, 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29' જાહેર

નવી નીતિમાં 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ અને ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા પાણી પુરવઠો સુનિશ્ચિત કરાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 12 Sep 2026 03:46 PM (IST)Updated: Sat, 12 Sep 2026 03:46 PM (IST)
gujarat-data-center-policy-2026-29-announced-by-cm-bhupendra-patel
AI Generated Image

Gujarat Data Center Policy 2026: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે છેલ્લા પાંચ વર્ષના સુશાસન દરમિયાન રાજ્યએ આર્થિક, ઔદ્યોગિક અને ભવિષ્યલક્ષી ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ગુજરાતને ભવિષ્યલક્ષી ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે હાલમાં જ 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29' જાહેર કરવામાં આવી છે, જે ગુજરાતને ટેક્નોલોજી ક્ષેત્રે એક મજબૂત વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરશે.

રાજ્યમાં ડિજિટલ ક્રાંતિ અને ગ્રીન એનર્જીનો સમન્વય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારેહંમેશાભવિષ્યની ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ભારતને ડિજિટલ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવા આ નવી નીતિ આગળ ધપાવશે. પર્યાવરણની જાળવણી સાથે વિકાસના મંત્રને સાર્થક કરતા આ ડેટા સેન્ટર માટે 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.

સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, સિંગલ વિન્ડો સિસ્ટમથી મંજૂરી

ધોલેરામાં ડેટા સેન્ટર શરૂ કરવા 2.5 ટકા વધારાની મૂડી સહાય આપવામાં આવશે, તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં સંપૂર્ણપણે મુક્તિ આપવાની જોગવાઈ આ નીતિમાં કરવામાં આવી છે.  ડેટા સેન્ટર શરૂ કરવા માટે દસ વર્ષ માટે 4 ટકા વ્યાજ સહાય તેમજ આગામી 20 વર્ષ માટે પ્રતિ યુનિટ 1 રૂપિયાની વીજ દર સહાય આપવામાં આવશે.

રાજ્ય સરકારે ડેટા સેન્ટરને ‘આવશ્યક સેવાઓ’ તરીકે માન્યતા આપી છે તેમજ આ પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.  આ નીતિ અંતર્ગત 7.5 ગીગા વોટ ક્ષમતાના ડેટા સેન્ટર બનાવાનું લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતને 10 ગીગાવોટ ક્ષમતાના પ્રસ્તાવ કંપનીઓ દ્વારા મળ્યા છે.

સાણંદ-ધોલેરામાં સેમિકન્ડક્ટર બાદ હવે ડેટા સેન્ટર ક્રાંતિ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટરના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે. હવે નવી નીતિથી આ વિસ્તાર હાઈ-ટેક ડેટા સેન્ટરના મુખ્ય કેન્દ્રો તરીકે ઊભરી આવશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે.