CM Bhupendra Patel government 5 years: 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, ટેક્નોલૉજી અને નવીનતા સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ સારી તકો મળે તે માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્રે શરૂ કરેલી પહેલોને આગળ વધારતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ બંને ક્ષેત્રે સુવિધાઓ અને તકોનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2024માં શરૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. યોજના શરૂ થયા બાદ અત્યારસુધીમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. યોજનાના અમલીકરણ બાદ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 2024-25થી અત્યારસુધીમાં 3.54 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹290 કરોડની સહાય, જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 2023-24થી અત્યારસુધીમાં ₹176 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
13,353 નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા
ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ હેઠળ અત્યારસુધીમાં 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 5,000 નવી STEM લેબ્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
વર્ષ 2024ની ભરતીમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9,400 શિક્ષણ સહાયકો અને 470 આચાર્યોની ભરતી કરવામાં આવી છે. સાથે જ 2,230 જૂના શિક્ષકોની ભરતી/બદલી કરવામાં આવી છે. વર્ષ 2026-27માં 200 નવી કમ્પોઝિટ, 95 નવી સરકારી માધ્યમિક અને 3 નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.
વર્ષ 2026માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પૉલિસી’ નાબૂદ કરવામાં આવી છે અને RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
ડ્રોપઆઉટ ઘટાડવાથી સર્વસમાવેશી શિક્ષણ સુધી
વર્ષ 2001-02માં ધોરણ 1થી 8નો ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે 2024-25માં ઘટીને 2.35 ટકા થયો છે. સંભવિત ડ્રોપઆઉટની વહેલી ઓળખ માટે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) અમલમાં મૂકવામાં આવી છે. તેના દ્વારા અત્યારસુધીમાં આશરે 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શિક્ષણ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
સર્વસમાવેશી શિક્ષણ માટે રાજ્યમાં 37 નવા રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં થેરાપી સાધનો, ડિજિટલ પેનલ, રેમ્પ, રેલિંગ અને CwSN ટોઇલેટ જેવી સુવિધાઓ છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં યોગ અને સ્વાસ્થ્ય શિક્ષણ માટે 1,141 શિક્ષકોની નવી જગ્યાઓ પણ ઊભી કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટઅપ્સને વેગ
વિદ્યાર્થીઓને પોતાના વતનની નજીક ઉચ્ચ શિક્ષણની તકો મળી રહે તે માટે છેલ્લા પાંચ વર્ષમાં બિન આદિજાતિ વિસ્તારોમાં 24 અને આદિજાતિ વિસ્તારોમાં 17 મળી કુલ 41 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત 15 સરકારી કોલેજોમાં નવા પ્રવાહો શરૂ કરાયા છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 3,97,415 વિદ્યાર્થીઓને ₹2,068.67 કરોડ, જ્યારે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 24,802 વિદ્યાર્થીનીઓને ₹797.01 કરોડની સહાય આપવામાં આવી છે.
પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે SHODH યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ₹113.52 કરોડની સહાય આપવામાં આવી છે. જ્યારે SSIP 2.0 હેઠળ 6,077 Proof of Conceptને ₹2.50 લાખ સુધીની સહાય આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓના નવીન વિચારોમાંથી 962 સ્ટાર્ટઅપ્સ સ્થાપિત થયા છે.
