Gujarat Congress: કોંગ્રેસ 8મી સપ્ટેમ્બરે કરશે વિધાનસભાનો ઘેરાવ, 'વોટ ચોરી' વિરુદ્ધ શરૂ કરશે અભિયાન

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, 'વોટચોરી'ના આ મુદ્દાને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસ 'વોટર અધિકાર યાત્રા' પણ કાઢશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 01 Sep 2025 11:43 AM (IST)Updated: Mon 01 Sep 2025 11:43 AM (IST)
gujarat-congress-congress-will-surround-the-assembly-on-september-8th-will-start-a-campaign-against-vote-theft-595316
HIGHLIGHTS
  • તેમણે કહ્યું કે, આટલી સમસ્યાઓ હોવા છતાં ચૂંટણી પરિણામો વિપરીત આવે છે, જે સાબિત કરે છે કે 'વોટચોરી' સફળ રહી છે.
  • તેમણે જણાવ્યું કે 2017ની ચૂંટણીમાં પણ 7500 બોગસ મતદારો શોધવામાં આવ્યા હતા.

Gujarat Congress News: ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં 'વોટ ચોરી'ના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. આ મુદ્દે જાગૃતિ લાવવા અને વિરોધ દર્શાવવા માટે આગામી 8મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ ખાતે યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, 'વોટચોરી'ના આ મુદ્દાને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસ 'વોટર અધિકાર યાત્રા' પણ કાઢશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બોગસ મતદારોને શોધી કાઢવાનો રહેશે. ચાવડાએ આક્ષેપ કર્યો કે ચોર્યાસી વિધાનસભામાં 2.40 લાખ મતદારોની ચકાસણી કરતા 30 હજાર બોગસ મતદારો મળી આવ્યા છે. આ પ્રકારે જો દરેક વિધાનસભામાં ગોલમાલ થઈ હોય તો કુલ 62 લાખ વોટની ગેરરીતિ થઈ હોઈ શકે છે.

આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ પર સીધા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના પ્રચારમાં લહેર દેખાય છે, પરંતુ પરિણામ મોદી સરકારની તરફેણમાં આવે છે, જે કંઈક ગડબડ હોવાનું સૂચવે છે. અમિત ચાવડાએ પણ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને અન્યાય, કથળેલી કાયદો-વ્યવસ્થા અને ફિક્સ પગારદારોની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આટલી સમસ્યાઓ હોવા છતાં ચૂંટણી પરિણામો વિપરીત આવે છે, જે સાબિત કરે છે કે 'વોટચોરી' સફળ રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપના પ્રદેશ પ્રમુખના મતવિસ્તારમાં જ બોગસ મતદારો પકડાયા છે.

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે 2017ની ચૂંટણીમાં પણ 7500 બોગસ મતદારો શોધવામાં આવ્યા હતા. 2022ની ચૂંટણીમાં ગામ દીઠ 150 મતદારોને શંકાસ્પદ રીતે દૂર કરવામાં આવ્યા હતા. તેમણે 2024ની લોકસભા ચૂંટણીનો દાખલો આપતા કહ્યું કે તેઓ બનાસકાંઠામાં દોઢ લાખ મતથી જીતવાના હતા, પરંતુ 'વોટચોરી'ને કારણે માત્ર 30 હજાર મતથી જ જીતી શક્યા. અમિત ચાવડાએ કહ્યું કે બોગસ મતદારો ઊભા કરવા માટે પાંચ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા આ રેકેટ ચલાવવામાં આવે છે. આ તમામ આરોપો કોંગ્રેસના અભિયાનને વેગ આપવા માટેના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યા છે.