Gujarat State SWAGAT Online: નાગરિકોના પ્રશ્નો અને લોકફરિયાદોના ટેકનોલોજીના માધ્યમથી ઝડપી નિવારણ માટે યોજાતા ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ અંતર્ગત ઓક્ટોબર-2026નો રાજ્ય સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર નિયમ અનુસાર આપવા તેમજ સરકારી જમીનો પરના દબાણો રોકી તેની જાળવણીની જવાબદારી સુપેરે નિભાવવા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી હતી.
4950થી વધુ રજૂઆતોનો હકારાત્મક નિકાલ
ઓક્ટોબર માસના આ રાજ્ય સ્વાગતમાં 170થી વધુ રજૂઆતકર્તાઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગતમાં 2200 અને તાલુકા સ્વાગતમાં 2583 મળીને કુલ 4953થી વધુ અરજીઓ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની વ્યવસ્થા, રોડ-રસ્તા, દબાણો અને રી-સર્વેને લગતી નાગરિકોની રજૂઆતોનો હકારાત્મક અભિગમ સાથે નિકાલ કર્યો હતો.
ઓલપાડમાં પીવાના પાણીની સમસ્યા અંગે મહત્વનો નિર્ણય
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઓરમા ગામમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે થયેલી રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય આયોજન સાથે પાણીની કાયમી વ્યવસ્થા કરવા સ્થાનિક વહીવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડને તાત્કાલિક સૂચનાઓ આપી હતી.
ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર નિયમ અનુસાર ફાળવવા આદેશ
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના શિણાય ગામના ખેડૂતે ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ કચ્છ કલેક્ટરને તાત્કાલિક નિયમાનુસાર પ્રમાણપત્ર ફાળવવા આદેશ આપ્યો હતો. સાથે જ, તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી હતી કે સ્થાનિક કક્ષાએ ખેડૂતોના હિતમાં આ પ્રકારની કાર્યવાહી ઝડપથી પૂરી કરવામાં આવે.
સરકારી જમીન પર વારંવાર દબાણ કરનાર સામે થશે FIR
સરકારી જમીનની જાળવણી મુદ્દે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રીએ કચ્છના અંજાર તાલુકાના સુગારીયા મોડસર ગામના દબાણ અંગેની રજૂઆત સંદર્ભે તમામ કલેક્ટરોને સ્પષ્ટ આદેશ આપ્યા હતા-
- સરકારી જમીનની જાળવણીની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.
- સરકારી જમીનમાં વારંવાર અનાધિકૃત દબાણ કરનારાઓ સામે FIR દાખલ કરવા કલેક્ટરોને સૂચના આપી.
રસ્તાના પ્રશ્નો અને ગ્રામીણ ઉદ્યોગો માટે રાહત
બોટાદના મોટા ઝિંઝાવદર: ગામનો રસ્તો બનાવવા અંગેની રજૂઆત પર માર્ગ અને મકાન વિભાગને સત્વરે કામગીરી શરૂ કરવા જણાવાયું.
પંચાયત વેરાનું રેશનલાઈઝેશન: ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પંચાયત વેરાનું રેશનલાઈઝેશન કરવા કલેક્ટરોને નિર્દેશ આપ્યા.
નિષ્ક્રિય સરપંચો સામે કાર્યવાહી: પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવતા સરપંચો સામે કાયદાકીય પગલાં લેવા સૂચના અપાઈ.
સિંચાઈ અને તળાવ ઓવરફ્લો: તળાવ ઓવરફ્લો થવાથી ખેડૂતોને થતા નુકસાન સામે સિંચાઈ વિભાગને યોગ્ય ટેક્નિકલ ઉપાયો કરવા જણાવ્યું.
ઉચ્ચ અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી જોડાયા
આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ તેમજ સંબંધિત વિભાગોના સચિવો ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
