વીજળી વપરાશમાં રેકોર્ડબ્રેક ઉછાળો! ગુજરાતમાં સર્વોચ્ચ વીજ માંગ નોંધાતા સરકાર એક્શન મોડમાં, જાણો શું છે માસ્ટર પ્લાન?

રાજ્યમાં વીજ માંગ 29,822 મેગાવોટની સપાટીએ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જા વિભાગ સાથે બેઠક યોજી. કોલસા પૂરવઠો, સોલાર એનર્જી અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ અંગેના ભવિષ્યના આયોજનની સંપૂર્ણ વિગતો જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 20 Oct 2026 11:46 PM (IST)Updated: Tue, 20 Oct 2026 11:46 PM (IST)
gujarat-power-demand-hits-record-high-govts-master-plan

Gujarat Power Demand Record 2026: રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે સતત વધી રહેલી વીજ માંગ અને પુરવઠાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિત પાવર સેક્ટરના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે લીધેલા તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

naidunia_image

વીજ માંગમાં રેકોર્ડબ્રેક વધારો: મુખ્ય કારણો

બેઠક દરમિયાન રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન મુજબ, તા. 16 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ 29,822 મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી, જે ગત વર્ષના ઓક્ટોબર માસ (21,822 મેગાવોટ)ની સરખામણીએ 36.6% વધુ છે.

દૈનિક વપરાશ: 16 ઓક્ટોબરે દૈનિક વીજ વપરાશ 574 મિલિયન યુનિટ રહ્યો હતો, જે ગત વર્ષે 457 મિલિયન યુનિટ હતો (27% વધારો).

વીજ વિતરણ કંપનીઓ (Discoms) મુજબ વપરાશ-

  • PGVCL: 30%
  • DGVCL: 22%
  • UGVCL: 22%
  • MGVCL: 10%
  • અન્ય ડિસ્કોમ: 16%

રાત્રિના સમયે માંગ અને હવામાનની અસર

અલનિનોની અસર અને નબળા ચોમાસાને કારણે તાપમાન ઊંચું રહેતા કૂલિંગ લોડમાં મોટો વધારો થયો છે. આ ઉપરાંત, ખેતીવાડી માટે પૂરા પાડાતા વીજ પુરવઠાને કારણે કૃષિ લોડ દૈનિક મહત્તમ 12,000 મેગાવોટ સુધી પહોંચ્યો છે. તહેવારોને લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થવાથી પણ માંગ વધી છે.

સાંજના 5 થી રાત્રે 11 વાગ્યા સુધી સોલાર ઉત્પાદન શૂન્ય થવાને કારણે અને પવન ઊર્જા અનિયમિત હોવાથી માંગને પહોંચી વળવા કોલસા તથા ગેસ પ્લાન્ટ્સમાંથી અવિરત પુરવઠો આપવામાં આવી રહ્યો છે. ગ્રીડની ફ્રીક્વન્સી અને સંતુલન જાળવવા રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) અને વીજ કંપનીઓ 24 કલાક સતત કાર્યરત છે.

કોલસા પુરવઠો અને કેન્દ્ર સરકાર તરફથી તાત્કાલિક સહયોગ

પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સંકલનથી કેટલાંક મહત્વપૂર્ણ પગલાં લીધા છે-

કેન્દ્રીય કોલસા મંત્રાલયની ખાતરી: GSECLને નવેમ્બર સુધી રોજના 10 થી 11 રેલવે રેક અને નવેમ્બર પછી રોજના 13 થી 14 રેલવે રેક કોલસો આપવાની ખાતરી આપવામાં આવી છે.

કેન્દ્રીય પ્લાન્ટ્સમાંથી વીજ ફાળવણી

  • NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર માટે 329 મેગાવોટ વીજળી ફાળવાઈ.
  • આસામના કેન્દ્રીય પાવર જનરેશન ફાળામાંથી લાંબા ગાળા માટે 551 મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ.
  • NTPC ના બાઢ-I અને દાદરી-I થર્મલ પાવર સ્ટેશનના 716 મેગાવોટના કરારની મુદત માર્ચ 2028 સુધી (1 વર્ષ) લંબાવવામાં આવી.
  • કેન્દ્રના અન-એલોકેટેડ ફાળામાંથી વધુ 500 મેગાવોટ વીજળીની માંગણી કરાઈ છે.

BESS: બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પર ભાર

દિવસ દરમિયાન ઉત્પન્ન થતી 12,000 મેગાવોટ સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડી લોડ સોલાર કલાકોમાં જ વાપરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, સાંજના પીક અવર્સ માટે BESS ક્ષમતા વધારાઈ રહી છે:

  • હાલમાં 192 મેગાવોટની BESS સિસ્ટમ કાર્યરત છે.
  • 2,742 મેગાવોટ ક્ષમતા માટેના નવા કરારો પૂર્ણ થયા છે.
  • માર્ચ 2027 સુધીમાં 500 મેગાવોટ ક્ષમતા કાર્યરત થશે, જ્યારે 1,000 મેગાવોટ ક્ષમતા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.
  • લોંગ ટર્મ પ્લાનિંગ અને નવા થર્મલ-ન્યુક્લિયર પ્રોજેક્ટ્સ
  • ભવિષ્યની વીજ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે લાંબા ગાળાનું આયોજન પણ હાથ ધર્યું છે-
  • સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશન્સ: થર્મલમાંથી 1300+ મેગાવોટ અને હાઇડ્રોમાંથી 1200+ મેગાવોટ વીજળી વર્ષ 2028-29 થી તબક્કાવાર મળશે.
  • 2031-31ની જરૂરિયાત: કેન્દ્ર સરકાર પાસે વધુ 5000+ મેગાવોટ થર્મલ વીજળીની વિનંતી કરવામાં આવી છે.

નવા પ્રોજેક્ટ્સ

SHAKTI સ્કીમ: GUVNL દ્વારા 4,000 મેગાવોટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડશે (2030-31થી વીજળી મળશે).

ન્યુક્લીઅર પાવર: NPCIL સાથે 4200 મેગાવોટના MoU (પ્રથમ યુનિટ 2032માં કાર્યરત થશે).

ઉકાઈ થર્મલ પ્લાન્ટ: 800 મેગાવોટનો નવો પ્લાન્ટ સપ્ટેમ્બર 2029 થી શરૂ થશે.

સિનોર, વણાકબોરી અને ગાંધીનગર ખાતે નવા થર્મલ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પ્રગતિમાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ કામગીરી અને ભવિષ્યના આયોજન અંગે ઊર્જા વિભાગને વધુ ગતિથી આગળ વધવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.