કોંગ્રેસના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા! સીએમ ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચ વિરુદ્ધના વિરોધને ગણાવ્યા 'ખોટા ગતકડા'

ગાંધીનગર 'શ્રી કમલમ' ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે પાયાવિહોણા આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 27 Sep 2026 08:07 PM (IST)Updated: Sun, 27 Sep 2026 08:07 PM (IST)
gujarat-cm-bhupendra-patel-defends-ec-slams-congress

CM Bhupendra Patel Press Conference: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી અનુસાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે દેશની લોકશાહી પ્રક્રિયા, ચૂંટણી પંચની સ્વાયત્તતા અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો પર આક્રમક વલણ અપનાવ્યું હતું.

ચૂંટણી પંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા અક્ષુણ

પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા આપણા દેશમાં નિષ્પક્ષ, તટસ્થ અને નિર્વિવાદ ચૂંટણી પ્રક્રિયા અમલમાં છે. દેશનું ચૂંટણી પંચ સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કાર્ય કરીને નિષ્ઠા અને પારદર્શિતા સાથે દેશભરમાં ચૂંટણીઓ સંપન્ન કરાવે છે. કમનસીબી એ વાતની છે કે જે લોકોએ પોતાના શાસનકાળ દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા હણી લીધી હતી, તેઓ જ આજે ચૂંટણી પંચ પર પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે.

SIR મામલે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા

CMએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સ્પષ્ટ કર્યું છે કે SIR અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે. આ સ્પષ્ટતા જ સાબિત કરે છે કે રાહુલ એન્ડ કંપની માત્ર જનતાનું ધ્યાન ખેંચવા ખોટા ગતકડા ચલાવી રહી છે. ચૂંટણી પંચમાં મતભેદ હોવાના દાખલા સદંતર બે-બુનિયાદ છે. સુપ્રીમ કોર્ટે પણ નવા મતદારોની નોંધણી માટે Form-6 ને યોગ્ય ઠેરવ્યું છે.

વિપક્ષનું બેવડું ધોરણ જગજાહેર

કોંગ્રેસના રાજકારણ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. જ્યારે તેઓ ચૂંટણી જીતે ત્યારે લોકશાહીની જીત અને ચૂંટણી પંચની તટસ્થતાની વાતો કરે છે, પરંતુ જ્યાં જનાદેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની તરફેણમાં આવે ત્યારે તેઓ ‘વોટ ચોરી’ અને ગેરરીતિના જૂઠાણા ફેલાવે છે.

બંગાળ અને કેરળના ઉદાહરણો ટાંકીને કોંગ્રેસને ઘેરી

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં SIR પ્રક્રિયાને પડકારનાર કોંગ્રેસ, સીપીએમ અને ટીએમસીને નિરાશ થવું પડ્યું છે, કેમ કે સુપ્રીમ કોર્ટે તેને યોગ્ય ગણાવી છે. કેરળમાં કોંગ્રેસે SIRને પોતાના ફાયદાકારક ગણાવી હતી. તેમણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ છેલ્લા 40 વર્ષથી બંગાળમાં કેમ સત્તાથી દૂર છે તે અંગે આત્મમંથન કરે. બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર અને ફેક વોટર બહાર નીકળતા ભાજપા જીતી ગઈ, જે રાહુલ ગાંધીથી સહન થતું નથી.

દેશની છબી ખરડવાનું હીન કૃત્ય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો ગ્રોથ રેટ 7.8 ટકા સુધી પહોંચ્યો છે અને ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષને દેશવાસીઓ ‘સેવા સંકલ્પ અભિયાન’ તરીકે ઉજવી રહ્યા છે. દેશની જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ આ વિકાસયાત્રા સહન કરી શકતી નથી અને બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવીને વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવાનું કામ કરી રહી છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની 140 કરોડ જનતા જનાર્દન સમજદાર છે અને વિપક્ષના આવા રાજકીય કારસાઓ ક્યારેય સફળ નહીં થાય.