Olympics 2036: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, કોમનવેલ્થ ગેમ્સ 2030 ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને ઓલિમ્પિક 2026 માટે ભારત તરફથી સત્તાવાર રજૂઆત પણ કરી દેવામાં આવી છે. જો ઓલિમ્પિક રમતોત્સવ ભારતમાં આવે, તો ગુજરાતના અમદાવાદ ખાતે જ યોજાય તે માટે રાજ્ય સરકાર 100 ટકા પ્રયાસ કરશે.
કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ યોજવા જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટના આયોજન અંગે વિગતો આપતા જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સ 2030 ના આયોજન માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. હવે ઓલિમ્પિક્સ 2026 આયોજન માટે આપણી સત્તાવાર રજૂઆત થઈ ચૂકી છે. જો ઓલિમ્પિક્સ ભારતમાં રમાય, તો તે ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાય તે માટે 100 ટકા પ્રયત્ન કરવામાં આવશે.
ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 (Commonwealth Games 2030) અને ઓલિમ્પિક 2036 (Olympic Games 2036) આયોજન માટે મોટા પાયે તૈયારીઓ અને આધિકારિક પ્રક્રિયા ચાલી રહી છે. આવી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે ભારત સરકારે ગુજરાતના અમદાવાદ શહેરને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે.
કોમનવેલ્થ ગેમ્સ 2030 (Commonwealth Games 2030)
કોમનવેલ્થ સ્પોર્ટ કમિટી દ્વારા અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યું છે.આ ગેમ્સ 'Amdavad 2030' તરીકે ઓળખાશે અને તે કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ (Centenary Edition) હશે. મોટાભાગની રમત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને એકતા નગર (કેવડિયા) ખાતે યોજાશે. મોટેરા ખાતે આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ સમારોહનું મુખ્ય કેન્દ્ર રહેશે.
ઓલિમ્પિક 2036 (Olympic Games 2036)
ભારત સરકારે 2036 સમર ઓલિમ્પિક્સ હોસ્ટ કરવા માટે સત્તાવાર રીતે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સમક્ષ ઈચ્છાપત્ર (Letter of Intent) રજૂ કર્યો છે, જેમાં ગુજરાતના અમદાવાદને મુખ્ય હોસ્ટ સિટી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. ઓલિમ્પિક માટે મુખ્ય ઈવેન્ટ્સ અમદાવાદમાં યોજાશે, જ્યારે કેટલીક રમતો માટે દેશના અન્ય સ્ટેડિયમનો પણ ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે.
રમતગમતના આ મહાકુંભ માટે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે:
- સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ:સાબરમતી નદી કિનારે મોટેરા વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં એકવાટિક સેન્ટર, ટેનિસ કોર્ટ અને અન્ય ઈન્ડોર એરેના બનાવવામાં આવી રહ્યા છે.
- ઓલિમ્પિક વિલેજ:ખેલાડીઓના રોકાણ માટે 17,500થી વધુ એથ્લેટ્સ રહી શકે તેવું સ્પેશિયલ એથ્લેટ વિલેજ બનાવવાનું આયોજન છે.
- નારણપુરા અને કરાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ:નારણપુરા ખાતે વર્લ્ડ ક્લાસ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ગૌણ સ્થળો તરીકે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ચૂક્યા છે.
- ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટી: અમદાવાદ મેટ્રોનો વિસ્તાર, BRTS કનેક્ટિવિટી અને એરપોર્ટનું વિસ્તરણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.
